Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સરહદની સુરક્ષા, દરિયાકાંઠાની ઢાલ એવા આ ડ્રોન આકાશવાણી જેમ સૂચના આપવા સક્ષમઃ નરસિહમા કોમાર

રથયાત્રા પર આકાશમાંથી બાજ નજર રાખતા સવા ડઝન ડ્રોન સામાન્ય ડ્રોન નથી, જાદુઈ ચિરાગ છેઃ એડી ડીજીપી સાથે 'અકિલા'ની વાતચીત : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જે પ્રોજેકટના વખાણ કરતા થાકતાં નથી તેવા વિશ્વાસ પ્રોજેકટના શિલ્પી દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી ગુજરાતને મળેલ અદભૂત સુરક્ષાચક્ર અંગે વાંચી ગૌરવ મહેસુસ થયા વગર રહેશે નહિ

રાજકોટ તા.૧૨, અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાનું પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ટીમ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરી કપરી કસોટી પાર પાડવા માટે જે વિવિધ સ્કીમ બનાવી તેમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રકારના સવા ડઝન અર્થાત્ ૧૫ જેટલા જે ડ્રોન ખરીદવામાં આવ્યા છે તે પણ મહત્વના બની રહ્યા છે.

 કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા જે પ્રોજેકટના મોહફાટ પ્રસંશા કરવામાં આવી હતી તેવા વિશ્વાસ પ્રોજેકટના શિલ્પી એવા રાજ્યના લો એન્ડ ઓર્ડરના વડા અને જેઓ પાસે પ્લાનિંગ અને મોડરેટાયઝંનનો હવાલો છે તેમની દીર્ઘ દૃષ્ટિ અને તેમના ટેકની સેવી પ્રકૃતિ અને આવડતને સમગ્ર યશ જાય છે.

દેશ વિદેશના મહાનુભાવોની સુરક્ષામા ખૂબ ઉપયોગી હોવા સાથે ગુજરાતના વિશાળ દરિયા કિનારાની સુરક્ષા માટે પણ આ પાવરફુલ ડ્રોન ખૂબ મહત્વના છે. ભૂતકાળમાં પોરબંદરના દરિયાકિનારે વિસ્ફોટક પદાર્થ ઘૂસ્યા હતા. આવું ભવિષ્યમાં નિવારી શકાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની દૂરંદેશીને કારણે આ શકય બન્યાનું 'અકિલા' સાથેની વાતચીતમાં એડી.ડીજી. નરસિંહમા કોમાર દ્વારા જણાવેલ.

પાવરફૂલ ડ્રોનની અન્ય બીજી કોઈ ખાસ ઉપયોગિતા બાબતના સવાલના  જવાબમાં જણાવેલ કે ગુજરાત દ્વારા ખરીદ કરવામાં આવેલ આ ડ્રોન ટ્રાફિક મેનેજમેન્ટ વખતે પણ ખૂબ ઉપયોગી છે ,માત્ર દૃશ્યો ઝીલવામાં જ નહિ ડ્રોન દ્વારા આકાશવાણી જેમ લોકોને સંબોધવામાં પણ અત્યંત ઉપયોગી છે તેમ આ સ્વચ્છ છબી સાથે સીબીઆઈ કામગીરીનો અનુભવ ધરાવતા અધિકારી દ્વારા ઉમેરાયેલ.

વાવાઝોડા, પૂર પ્રકોપ વખતે તંત્ર સાચી પરિસ્થિતિનું આંકલન કરી શકે તે માટે પણ મહત્વના બને છે. મહત્વની ઇવેન્ટ સમયે આ ડ્રોન સુરક્ષા માટે ખૂબ મદદરૂપ બની રહે છે.

 માત્ર દરિયાઈ સુરક્ષા જ નહિ, પ્રવર્તમાન સંજોગોમાં સરહદ પારથી આંતકવાદીઓની ઘૂસણખોરી  રોકવા માટે આ ડ્રોન ગુજરાત પોલીસ તથા બોર્ડર સિક્યોરિટી ફોર્સને પણ ખૂબ મદદરૂપ બનશે.

બચાવ જેવા ઓપરેશન વખતે પણ ટીમને સચોટ લોકેશન માટે પણ આ ડ્રોન ખૂબ ઉપયોગી બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેમ કાર્યદક્ષ એવા એડી.ડીજી અને સિનિયર આઇપીએસ નરસિંહમા કોમરે વાતચીતના અંતે જણાવેલ.

(1:04 pm IST)