Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો

આજના જ શુભ દિને શ્રી નિલકંઠવર્ણી - શ્રી સ્વામિનારાયણ ભગવાનની જગન્નાથપુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે રથયાત્રામાં બિરાજમાન કરી રથ ખેંચવાની સેવા કરી હતી. જેને આજે ૨૨૩ વર્ષ થયાં.

અષાઢ સુદ બીજ એટલે અનેક ભક્તોનો ધાર્મિક અને આસ્થા, શ્રદ્ધાનો શુભ દિન. વળી, કચ્છી નૂતન વર્ષારંભ. ભગવાન આજના દિવસે ભક્તોને દર્શન આપવા નગરમાં પધારે છે અને દિવ્ય દ્રષ્ટિથી અનેકને પાવન કરે છે. દેશ પરદેશમાં અનેક સ્થળોએ જેવા કે અમદાવાદ, ભાવનગર આદિ અનેક શહેરોમાં રથયાત્રા નીકળે છે. ભક્તિ, સમર્પણ, સેવા આદિ અનેકવિધ સંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતો હૃદય, મન અને શરીરની સાથે બુદ્ધિને પણ ભગવાનની સેવામાં માધ્યમ બનાવાનો મર્મ સમજાવતો આ રથયાત્રાનો ઉત્સવ જગન્નાથપુરીમાં પણ લાખો ભક્તો પરમ ઉમળકાભેર ઉજવે છે.

 જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રા સાથે "સ્વામિનારાયણ સંપ્રદાય"નો ઈતિહાસ પણ જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૧ વર્ષની કુમળી વયે મહાભિનિષ્ક્રમણ – વનવિચરણ કર્યું. સંવત ૧૮૪૯ના અષાઢ સુદ દશમ, તા. ૨૯/૦૬/૧૭૯૨ ને શુક્રવારના રોજ વનવિચરણનો પ્રારંભ કર્યો હતો. ભારતના અનેક તીર્થોમાં વિચરણ કરતા શ્રી નીલકંઠ વર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીપુર, બદરીનાથ, માનસરોવર, પુલ્હાશ્રમ, બુટોલપુર – નેપાળ, કપિલાશ્રમ, જગન્નાથપુરી, પુના, બુરાનપુર, સુરત આદિ તીર્થોમાં અને ગાઢ વનોમાં પગપાળા વનવિચરણ કરી, અનેક મોક્ષનો પથ – રાહ બતાવી વનમાં ૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસ સુધી સમગ્ર ભારત રાષ્ટ્રના તીર્થોમાં ૧૨૫૦૦ કિલોમીટરનું વિચરણ કરી સંવત ૧૮૫૬ ને શ્રાવણ વદ આઠમ તા. ૨૧/૦૮/૧૭૯૯ ના પુનિત દિને ગરવી ગુજરાતના સૌરાષ્ટ્રની ધરા પર લોજ મુકામે પધાર્યા હતા.

આમ, શ્રી નીલકંઠવર્ણી - શ્રી સ્વામિનારાયણ ભગવાન જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રામાં બિરાજમાન થયા હોવાથી ઘણા શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં રથયાત્રાના અવસરે ભગવાનની સ્મૃતિ માટે તેની ઉજવણી કરવામાં આવે છે.

મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પણ શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ વારસદાર પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના પુનિત સાનિધ્યમાં રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે આચાર્ય સ્વામીશ્રી મહારાજે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની આરતી ઉતારી હતી. 

રથયાત્રા ઉત્સવને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના તે તે શ્રી સ્વામિનારાયણ મંદિરો મણિનગર, કડી, ભૂજ વગેરેમાં ભક્તિભાવથી ઊજવવામાં આવ્યો હતો. દર વર્ષે અમદાવાદ રથયાત્રા અવસરે એક ટ્રક - રથ - શણગારી અને મોકલવામાં આવે છે, પરંતુ સાંપ્રત સમયે દેશકાળ પ્રમાણે રથ મોકલવાનું મુલત્વી રાખવામાં આવ્યું હતું.

 

(2:30 pm IST)