Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત તરફ આવતી- જતી ટ્રેનો હવે કાલુપુર નહીં ચાંદલોડિયા ઉભશે

કાલુપુર રેલવે સ્ટેશનનું ભારણ ઓછું કરવા માટે સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત જતી ટ્રેનો હવે ચાંદલોડિયા સ્ટોપ આપવામાં આવશે : સૌરાષ્ટ્ર કચ્છથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનને કાલુપુર નહીં જવું પડે જેનાથી દોઢ કલાક જેટલો સમય બચશેઃ આ ટ્રેનો ચાંદલોડિયા બી સ્ટેશન પર જ એન્જિન બદલશે અને ત્યાંથી સીધી ગાંધીનગર તરફ રવાના થઈ જશેઃ આ રીતે રેલવે વિભાગના બળતણની પણ બચત થશે સાથે મુસાફરના સમયની પણ બચત થશે

નવી દિલ્હી, તા.૧૨: પશ્ચિમ રેલ્વેએ કાલુપુર રેલ્વે સ્ટેશન પરનું ભારણ ઓછું કરવાના પ્લાન અંતર્ગત ઉત્તર ભારતથી સૌરાષ્ટ્રમાં આવતી ટ્રેનોના એન્જિન બદલવા માટેના સ્ટોપ તરીકે ચાંદલોડિયા-બી સ્ટેશન વિકસાવ્યું છે. પહેલા આ ટ્રેનો સામાન્ય રીતે સાબરમતી અથવા કાલુપુર સ્ટેશનો પર જતી હતી. ચાંદલોડિયા-બી સ્ટેશન રુ.૪.૫ કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે અને હાલમાં સ્ટેશનમાં મુસાફરો માટે તમામ સુવિધાઓ સાથે એક પ્લેટફોર્મ રહેશે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થા કચ્છ-સૌરાષ્ટ્રથી ઉત્ત્।ર ભારત માટે મુસાફરી કરતા મુસાફરોનો સમય બચાવશે.

અધિકારીઓએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરથી રાજકોટ આવતી ટ્રેનો આંબલી થઈને ચાંદલોડિયા-બી સ્ટેશન પહોંચશે. આંબલીથી આ અંતર ૬ કિલોમીટરનું રહેશે, અને ચાંદલોડિયા-બીથી આ ટ્રેનો ખોડિયાર સ્ટેશન તરફ જશે અને ત્યારબાદ ગાંધીનગર થઈને સીધી કલોલ જશે. આ નવી યોજનાથી ટ્રેનના મુસાફરોનો કાલુપુર સ્ટેશન સુધી જવા માટેની ઓછામાં ઓછી એક કલાકની મુસાફરી અને સ્ટેશન પર ૩૦ મિનિટ સુધીની રાહ જોવાનો સમય બચશે, અને રેલવેનું વધારાનું બળતણ પણ બચશે. હાલમાં, આ ટ્રેનો કાલુપુર જાય છે કારણ કે સાબરમતીમાં એન્જિન બદલવાની સુવિધા નથી, જે પ્લેટફોર્મ વચ્ચે વધારાની લાઇનની જરૂરીયાત માગે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે મુસાફરો સૌરાષ્ટ્રથી દિલ્હી જતી ટ્રેનોમાં ચઢવા માંગતા હોય તેઓ ચાંદલોડિયા-બી સ્ટેશનથી ચઢી શકશે અને અમદાવાદ ઉતરવા માગતો હોય તેઓ ચાંદલોડિયા ઉતરી શકશે માટે ટ્રેનનો સ્ટોર પણ આપવામાં આવશે. જો સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યામાં વધારો થશે તો સ્ટેશનને વધુ વિસ્તૃત કરવામાં આવશે, એમ કહીને અધિકારીએ ઉમેર્યું હતું કે, રેલવેએ ભવિષ્યમાં વૈકલ્પિક રૂપે ઉપયોગ માટે આંબલી સ્ટેશનનું નવીનીકરણ પણ કરાવ્યું છે.

એકવાર મહામારી પછી ફરી સામાન્ય સ્થિતિ સ્થાપિત થઈ જાય, ત્યાર પછી અધિકારીઓ સાબરમતી સ્ટેશનથી વધુ ટ્રેનો શરું કરવાની યોજના ધરાવે છે. હાલમાં, કેટલીક સ્પેશિયલ ટ્રેનોના અંતિમ સ્ટોપ તરીકે સાબરમતી સ્ટેશન છે. અધિકારીઓએ કહ્યું કે, આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં મેટ્રો સેવાઓ શરૂ કરવાની યોજના છે, જેથી સાબરમતી સ્ટેશન પહોંચવું સરળ બનશે, અધિકારીઓએ જણાવ્યું હતું કે કાલુપુર અને સાબરમતી બંને સ્ટેશનો વચ્ચે મેટ્રોની પૂરતી સુવિધા મળશે. હાલમાં, રેલવે પાસે કાલુપુર સ્ટેશનથી દરરોજ ૧૫૦ ટ્રેનો પસાર થાય છે અથવા પોતાનો પ્રવાસ શરું કરે છે, અને તેથી આ ભારણને હળવું કરવા માટે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવાની જરૂર છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સાબરમતીથી ઉત્ત્।ર ભારત માટેની ટ્રેનો શરૂ થઈ શકે છે.

(3:23 pm IST)