Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગાંધીનગર જિલ્લાના સઇજ ગામે ઓએનજીસી કોલોનીમાં સીઆઇએસએફના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 31હજારની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સઈજ ગામે ઓએનજીસી કોલોનીમાં સીઆઈએસએફના મકાનમાં રહેતા જવાનના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૩૧૯૦૦ની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જયારે આ વસાહતમાં અન્ય બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જો કે તેમાં ચોરી કરવામાં સફળતા મળી નહોતી. હાલ તો આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. 

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે હવે સુરક્ષા જવાનોની વસાહત પણ સલામત નથી. કલોલના સઈજમાં સેન્ટ્રલ ઈન્ડ્રસ્ટીયલ સિક્યોરીટી ફોર્સની વસાહતમાં તસ્કર ટોળી ત્રાટકી હતી. આ વસાહતના એફ-૩૨ નંબરના મકાનમાં રહેતાં મોસીન ઈબ્રાહીમ શેખ ગઈકાલે તેમનું મકાન બંધ કરીને મહેસાણા ખાતે સંબંધીને ત્યાં ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. સવારના સમયે તેમના પાડોશીએ ફોન કરીને ઘરમાં ચોરી થઈ હોવાનું કહેતા મોસીન શેખ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ઘરમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૩૧૯૦૦ની મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત વસાહતમાં રહેતા રવિકુમાર સીપાન અને ઈ-૧રમાં રહેતા પીએસઆઈ ડીલસુખ ફુલચંદ જાટના મકાનમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

(6:22 pm IST)