Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુરતના પાંડેસરામાં રમતા રમતા ત્રણ વર્ષીય બાળકી 2 રૂપિયાનો સિક્કો ગળી જતા દોડધામ

સુરત : શહેરના પાંડેસરામાં પાંચ દિવસ અગાઉ ત્રણ વર્ષીય બાળકી રમતા -રમતા બે રૃપિયાનો સિક્કો ગળી ગઈ હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરાઇ છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઉત્તરપ્રદેશના મિરઝાપુરના વતની એવા પાંડેસરામાં કીરણ હોમ્સમમાં રહેતા અને ફેકટરીમાં કામ કરતા સુરજસિંગ રાજપુતની ત્રણ વર્ષની પુત્રી ડિમ્પલ તા. ૬ઠ્ઠીના રોજ બપોરે ઘરમાં રમતા-રમતા બે રૃપિયાનો સિક્કો ગળી ગઈ હતી. જેથી તેેને પ્રાઇવેટ દવાખાના બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. ડૉક્ટરે એક્સ-રે જોયા બાદ તેના પરિવારના સભ્યોને બાળકીને ઘરે લઈ જઈને કેળા ખવડાવવા કહ્યું હતુ. જેથી બાળકીને લઈને ઘરે ગયા હતા. બાદમાં ગત રોજ બાળકીના પેટમાં દુઃખાવો થતા માતા-પિતા ચિંતાતુર થઇ ગયા હતા. અને તરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં તેને વોર્ડમાં દાખલ કરાઇ છે. સિવિલના સર્જરી વિભાગના ડૉ.મુકેશ પંચોલીએ કહ્યું કેબાળકીની સોનોગ્રાફી કરતા જાણવા મળ્યું કેસિક્કો બાળકીના મોટા આંતરડા સુધી પહોચી ગયો હતો. મોટાભાગે સિક્કો કુદરતી હાજત દ્વારા નીકળી જાય છે. આ બાળકીનો સિક્કો પણ નીકળી જવાની શકયતા છે. તેને ઓબ્ઝર્વેશન માટે દાખલ કરવામાં આવી છે.

(6:27 pm IST)