Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ડીસામાં વીજળી પડતા મહિલાનું કરૂણમોત

અસહ્ય ઉકળાટ બાદ ઇડર અને વિજયનગરમાં સવા ઇંચ, પોશીનામાં પોણો ઇંચ, વિજાપુરમાં એક ઇંચ તેમજ દાંતામાં અડધો ઇંચ વરસાદ

અમદાવાદ : ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ત્યારે ગતરોજ અમદાવાદ શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. બીજી બાજુ મહસાણામાં જિલ્લાના ડીસામાં વીજળી પડતા એક મહિલાના મોતનું મોત થયું છે.

ઉત્તર ગુજરાતમાં અસહ્ય ઉકળાટ બાદ રવિવારે ઇડર અને વિજયનગરમાં સવા ઇંચ, પોશીનામાં પોણો ઇંચ, વિજાપુરમાં એક ઇંચ તેમજ દાંતામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં શનિવારે રાત્રે લઘુશંકા જવા નીકળેલી 34 વર્ષિય વિજાબેન નરેશભાઇ રબારી ઉપર વીજળી પડતાં મોત થયું હતું.

અષાઢી બીજ રથયાત્રાને સોમવાર એટલેકે, આજે પણ સમગ્ર મહેસાણામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મહેસાણા જિલ્લાના કડી, વિજાપુર, વડનગર, સતલાસણા અને ખેરાલુ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ઇડર અને વિજયનગર, પોશીના અને દાંતામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો.

અમદાવાદ શહેરમાં આજે રવિવારે સાંજે 6 વાગે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ કલાકમાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે રવિવારે સાંજે 6થી 9ની વચ્ચે પૂર્વ વિસ્તારના મણીનગરમાં સૌથી વધુ સવા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અત્રે નોંધનીય છે કે, વરસાદની તાતી જરૂર હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે.

(6:52 pm IST)