Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોના સામેના જંગમાં જનશક્તિના સમર્થનથી મોટી તાકાત મળી : જનસેવા યજ્ઞ નિરંતર ચાલુ રહે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

સો રસીકરણ અને દિવાળીના તહેવારો સુધી જરૂરતમંદોને નિ:શુલ્ક પાંચ કિલો અનાજ આપવાની યોજનાને જન-જન સુધી પહોંચાડવા યુવાઓ આગળ આવે:રાજ્યપાલ :કોરોના સેવાયજ્ઞને ઉદાહરણરૂપ કાર્ય ગણાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી:રાજભવન દ્વારા એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને જીવનજરૂરી કીટ પહોંચાડવાના લક્ષ્યાંકની સિદ્ધિ સાથે "કોરોના સેવાયજ્ઞ"નો સમાપન સમારોહ યોજાયો : દાતાઓનો આભાર માનતા મહાનુભાવો

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન દ્વારા એક લાખ કોરોના વોરિયર્સને કીટ પહોંચાડવાના જન અભિયાન "કોરોના સેવાયજ્ઞ"ના સમાપન પ્રસંગે યોજાયેલાં "ધન્યવાદ જ્ઞાપન સમારોહ"માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સેવાયજ્ઞમાં સહયોગ આપનારા દાતાશ્રીઓનું અભિવાદન કર્યું હતું

 . કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોરોના સામેના જંગમાં 130 કરોડ દેશવાસીઓની જનશક્તિના સમર્થનથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને મોટી તાકાત મળી છે. આ સેવાયજ્ઞનું સમાપન એ અલ્પ વિરામ છે, તેમ જણાવી શાહે જનસેવાનો યજ્ઞ નિરંતર ચાલુ રહે તેવો અનુરોધ પણ કર્યો હતો.

ગુજરાતની મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, નિરંતર જનસેવાના ભાગરૂપે યુવાનો સો ટકા રસીકરણના કેન્દ્ર સરકારાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા પુરુષાર્થ કરે, કારણ કે સો ટકા રસીકરણ જ કોરોનાને નાથવાનું અસરકારક શસ્ત્ર છે. તેમણે દિવાળીના તહેવારો સુધી દેશભરના ગરીબ-જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક પાંચ કિલો અનાજ આપવાની યોજનાને જન-જન સુધી પહોંચાડવા યુવાનોને અનુરોધ પણ કર્યો હતો.

 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન ગુજરાત દ્વારા શરૂ કરાયેલાં "કોરોના સેવાયજ્ઞ"ને તેમણે પ્રેરણારૂપ સેવાકાર્ય ગણાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કોરોના સેવાયજ્ઞના આ સમાપન સમારોહમાં આ સેવાયજ્ઞમાં સહયોગ આપનારા દાતાઓને ધન્યવાદ પાઠવી આભાર માન્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સામેના જંગમાં રાજભવનને પ્રેરિત થવાની પ્રેરણા આપી અને ગુજરાત રાજભવને "કોરોના સેવાયજ્ઞ" દ્વારા સેવાનું જન અભિયાન હાથ ધર્યું. આ અભિયાન અંતર્ગત એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ સુધી જીવન જરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડીને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસોની પણ તેમણે માહિતી આપી હતી.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સેવાયજ્ઞને ઉદાહરણરૂપ કાર્ય ગણાવી આ અભિયાન સાથે જોડાયેલાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. "કોરોના સેવાયજ્ઞ" અભિયાનમાં સહયોગી એવી યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સ્થાપકશ્રી અમિતાભ શાહે સંસ્થા દ્વારા સેવાના કાર્યો અવિરત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે કોરોના સેવાયજ્ઞમાં સહયોગ આપનારા સૌ દાતાઓનું પ્રશસ્તિપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

(8:05 pm IST)