Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો : ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓની ભીડ ઉમટી

અંબિકા નદીમાં નવા નીર વહેતા થતા આહલાદક નજારો: સમગ્ર પંથકમાં લીલીછમ વનરાજી પથરાય

સાપુતારા: ડાંગ જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાના વિરામ બાદ સોમવારે મળસ્કે સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી પડતા અંબિકા નદીમાં નવા નીર વહેતા થતા ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.

 ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઇ નજીકના ગીરાધોધ ચોમાસામાં સોળેકળાએ ખીલી ઊઠે છે. હાલ ચોમાસામાં મેઘરાજા રિસાયા હોય તેમ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડતાં સમગ્ર પંથકમાં લીલીછમ વનરાજી પથરાય જવા પામી છે. જ્યારે સોમવારે મળસ્કે સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેના પગલે લોકમાતા અંબિકા નદીમાં નવા નીર વહેતા થતા આહલાદક નજારો જોવા મળ્યો હતો

 . કુદરતી સૌંદર્ય ભરપૂર એવા ગીરાધોધ શરૂ થવાના વાવડ વાયુવેગે ફેલાતા પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી. જોકે સરકારી કોવિન્ડ ગાઇડ લાઈનની સરેઆમ ધજ્જિયા ઉડાડી રહ્યા હોય તેમ સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક વગર બેખોફ બની વિહરતા જોવા મળ્યા હતા. આ સાથે જ બોટનીકલ ગાર્ડન, સાપુતારામાં પણ સોમવારે જનમેદનીએ આહલાદક વાતાવરણનો લુપ્ત ઉઠાવ્યો હતો.

(9:01 pm IST)