Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

તહેવારોનો ઉત્‍સાહ જામ્‍યો : માઉન્‍ટ આબુમાં પ્રવાસીઓ ઉમટી પડયા

રક્ષાબંધનથી શ્રાવણી તહેવારોનું મિનિ વેકેશન : શનિવારથી શરૂ થનારા ચાર દિવસના વેકેશનથી માઉન્‍ટ આબુમાં જામશે ગુજરાતી પ્રવાસીઓનો મેળો : હોટેલોમાં હાઉસફૂલના પાટિયા, રૂમ ભાડામાં તગડો વધારો છતાં ભીડ જામી

માઉન્‍ટ આબુ,તા. ૧૨ : શ્રાવણ માસના રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોનો પ્રારંભ થતા જ રાજસ્‍થાનના પ્રવાસધામ માઉન્‍ટ આબુમાં પ્રવાસીઓએ ગત રવિવારથી જ ધામા નાખતા માઉન્‍ટ આબુની નાની-મોટી હોટેલો જ નહીં થ્રી સ્‍ટાર હોટેલોમાં હાઉસફુલનાં પાટિયાં લાગી ગયાં છે એટલું જ નહીં આગામી ગુરુવારને રક્ષાબંધનના દિવસથી સરકારી અને મ્‍યુનિ. કચેરીઓ તથા બેન્‍કોમાં ચાર દિવસનું મિનિ વેકેશન શરૂ થતા માઉન્‍ટ આબુ પ્રવાસીઓના મેળામાં ફેરવાઈ જશે પરિણામે માઉન્‍ટ આબુમાં બંગલા અને નાના મકાનો કામચલાઉ ભાડે આપનારા માલિકો તગડા ભાડા વસૂલ કરીને લૂંટ કરશે જેમાં માઉન્‍ટ આબુના દારૂના વેપારીઓ અને બજારના અન્‍ય વેપારીઓ પણ ભાવવધારો કરી તગડી કમાણી કરી લેશે.

દેખીતી રીતે જ ગુરુવારે રક્ષાબંધનના તહેવાર બાદ શુક્રવારનો એક દિવસ સરકારી, મ્‍યુનિ. કચેરીઓમાં કામકાજનો એક જ દિવસ રહેશે એ પછી બીજા શનિવારની રજા સાથે રવિવારે હોલીડે, સોમવારે ૧૫મી ઓગસ્‍ટના સ્‍વાતંત્ર્ય દિન અને મંગળવારે પતેતીનો તહેવાર હોવાથી સતત ચાર દિવસની રજા રહેશે એટલે કે, ચાર દિવસનું મિનિ વેકેશન રહેશે પરિણામે હોટેલોમાં આગોતરા રિઝર્વેશન કરવામાં આવતા અને ગત રવિવારથી અનેક મિત્ર મંડળ તથા અનેક વ્‍યવસાયી ગ્રૂપોના મિત્રોએ માઉન્‍ટ આબુમાં ધામા નાખતા હોટેલોમાં હાઉસફુલનાં પાટિયાં લાગી ગયાં છે તો કેટલાક હોટેલ માલિકો ડબલ ટ્રિપલ ભાવવધારા માટે હાઉસફુલના બોર્ડ લગાવીને પાછલા બારણે રૂમ બુકિંગ કરી રહ્યા છે. માઉન્‍ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ પૈકી કેટલાક જવાનિયાઓનો સંપર્ક સાધતા તેમણે એમ જણાવ્‍યું કે, માઉન્‍ટ આબુમાં ગુજરાતીઓનો મેળો જામ્‍યો છે ૭૫ ટકા ગુજરાતીઓ અમદાવાદના છે જેમાં વેપારીઓ અને મિત્રવર્તુળોની સંખ્‍યા મોટી છે. બીજો નંબર વડોદરા અને સુરતવાસીઓનો છે અને એ પછી માઉન્‍ટ નજીકના પાલનપુર, મહેસાણા અને હિંમતનગર, ઇડરના લોકોનો છે. માઉન્‍ટ આબુમાં હોટેલોના રૂમ મળવા મુશ્‍કેલ બનતા ગુજરાતીઓએ આબુરોડની હોટેલો પર પસંદગી ઉતારી છે. પાલનપુર બાદ ઇકબાલગઢ પછી શરૂ થતાં આબુ રોડની હોટેલોમાં તો ગત રવિવારથી જ ઝૂમ બરાબર સાથે શ્રાવણી જુગારનો દોર પણ શરૂ કર્યો છે.

 માઉન્‍ટ આબુની એક હોટેલિયરના જણાવ્‍યા અનુસાર શ્રાવણ માસ શરૂ થયાના પ્રથમ સપ્તાહથી જ માઉન્‍ટ આબુની હોટેલોમાં રિઝર્વેશનનો દોર શરૂ થયો હતો જેમાં દર તહેવારોમાં આબુ આવતા ગ્રાહકોએ હોટેલના રૂમ આગોતરા બુકિંગ કરાવી લીધા હતા તે પૈકી કેટલાક રક્ષાબંધનના દિવસથી માઉન્‍ટ આબુ જવાના છે. બીજા પ્રવાસીઓ શનિવારથી આવી જશે. સોમવારની મોડી સાંજ અથવા મંગળવારે સવારે માઉન્‍ટ આબુથી નીકળી જશે પરિણામે ૧૭મીના બુધવાર બાદ જ આબુમાં પ્રવાસીઓની ભીડ ઓછી થશે પરંતુ ૧૯મી ઓગસ્‍ટે જન્‍માષ્ટમી હોવાથી તા. ૧૮મી અને ૧૯મીના હોટેલ રૂમ બુકિંગ પણ મોટી સંખ્‍યામાં અત્‍યારથી જ શરૂ થઈ જતા જન્‍માષ્ટમીના બે-ત્રણ દિવસ પણ માઉન્‍ટ આબુની હોટેલો, ગેસ્‍ટ હાઉસ અને ખાનગી બંગલાઓના રૂમ ભાડે મળવા મુશ્‍કેલ બની જશે.

આ ઝૂમ બરાબરના દોરને કારણે માઉન્‍ટ આબુ અને આબુ રોડની દારૂની દુકાનોમાં દારૂની બોટલના ભાવોમાં ઉછાળો આવ્‍યો છે. માઉન્‍ટ આબુની દુકાનોમાં વધુ ભીડ જામતા દારૂની વેપારીઓ દારૂની મનપસંદ બોટલોમાં રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. રાજસ્‍થાન સરકારના લાઇસન્‍સવાળી શરાબની દુકાનોમાં પણ હવે બે નંબરી દારૂ વેચાતો હોવાની ફરિયાદ ખુદ માઉન્‍ટ આબુવાસીઓ કરી રહ્યા છે. પરંતુ દારૂ પીને મોજમસ્‍તીમાં ડૂબનારા લોકો આ ફરિયાદને નજરઅંદાજ કરી રહ્યા છે. એક પ્રવાસીએ એમ જણાવ્‍યું કે, અમેરિકા-લંડનના જહોનીવોકર રેડ અને બ્‍લેક લેબલ દારૂ અહીં ખાનગીમાં રૂ. ૪થી૬ હજારમાં વેચાઈ રહ્યો હોવાની ગુસપુસ ચાલી રહી છે. પરંતુ એ બનાવટી હોવાની શંકા પણ એટલી જ છે.

હિલસ્‍ટેશન માઉન્‍ટ આબુના એસટી બસ જંક્‍શન અને નકી તળાવના મુખ્‍ય બજારમાં ખરીદી શરૂ થઈ છે તે ખરીદીમાં શનિવારથી બમણો વધારો થશે એમ બજારના અગ્રણી વેપારી સંજય અગ્રવાલ દાવો કરી રહ્યા છે. આ સાથે નકી તળાવમાં બોટિંગ કરનારાઓની સંખ્‍યામાં પણ વધારો થશે. માઉન્‍ટ આબુ પાલિકાના વહીવટી તંત્રે તહેવારોની ભીડને કારણે જરૂર પડે પોલો ગ્રાઉન્‍ડમાં ટેન્‍ટરૂમો બાંધવા માટેની તૈયારી રાખી છે.

(10:39 am IST)