Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : સૌરાષ્‍ટ્રના બંદરો પર સિગ્નલ લાગતા માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

રાજકોટ તા. ૧૨ : ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. ત્‍યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્‍યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્‍યો છે. તો ૧૦ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્‍યો છે. ચોમેર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આવામાં ગુજરાતના તમામ ડેમ ઓવરફલો થયા છે. માત્ર ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ ભરાયો નથી. તો બીજી તરફ, આ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ખૂલવાનો છે.

નર્મદા બંધના પાંચ દરવાજા આ સીઝનમાં પ્રથમ વખત આજે બપોરે ૧૨ વાગ્‍યે ખોલવામાં આવશે. ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. આજે નર્મદા બંધની જળ સપાટી ૧૩૩.૫૧ મીટર પર પહોંચી છે. તો સાથે જ પાણીની આવક ૨૩૨૨૦૮ ક્‍યુસેક અને જાવક ૪૯૪૮૭ ક્‍યુસેક છે. તો ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર ૫.૧૭ મીટર દૂર છે. આ કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા આજે બપોરે ૧૨ કલાકે નર્મદા બંધના ૫ રેડિયલ ગેટ ૧ મીટર જેટલા ખોલી દેવામાં આવશે. નર્મદા નદીમાં તબક્કાવાર ૧૦ હજાર ક્‍યુસેકથી દોઢ લાખ ક્‍યુસેક પાણી છોડાશે. નર્મદા નદીના કાંઠા વિસ્‍તારના વડોદરાના ત્રણ તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્‍તારને સાવધ કરાયા છે.

ગુજરાતના જળાશયોની સ્‍થિતિ જોયે તો ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૩૧.૭૭ ટકા પાણીનો જથ્‍થો, મધ્‍ય ગુજરાતના ૧૭ ડેમમાં ૫૦.૫૧ ટકા પાણીનો જથ્‍થો, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૭૪.૫૨ ટકા પાણીનો જથ્‍થો, કચ્‍છના ૨૦ ડેમમાં ૬૯.૯૮ ટકા પાણીનો જથ્‍થો, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૬૩.૨૭ ટકા પાણીનો જથ્‍થો, સરદાર સરોવર ડેમમાં ૮૦.૩૨ ટકા પાણીનો જથ્‍થો તથા ઉત્તર ગુજરાતનો એકપણ ડેમ ભરાયો નથી.

એક તરફ મધ્‍ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમા વરસાદ જ વરસાદ છે, ત્‍યાં ઉત્તર ગુજરાત હજી પણ કોરું છે. અહી હજી પણ મન મૂકીને વરસાદ વરસ્‍યો નથી. આ કારણે ઉત્તર ગુજરાતનો એકપણ ડેમ ભરાયો નથી. તો બીજી તરફ, રાજયના ૨૦૭માંથી ૪૧ ડેમ પાણીથી છલોછલ ભરાયા છે. ૬૮ જળાશયો ૯૦ ટકા વધુ પાણીથી ભરાયા છે. તો ૧૪ જળાશયો ૮૦થી ૯૦ ટકા પાણી, ૧૧ જળાશયો ૭૦થી ૮૦ ટકા પાણી અને ૧૧૩ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી છે.

મધ્‍ય ગુજરાતના ૨ ડેમ પાણીથી છલોછલ ભરાયો છે. દક્ષિણ ગુજરાતના ૮ જળાશયો ઓવરફલો થયા છે. જ્‍યારે કચ્‍છના ૧૨ ડેમ નવા નીરથી છલકાઈ જવા પામ્‍યા છે અને સૌરાષ્ટ્રના ૧૯ જળાશયો ઓવરફલો થયા છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય રહેતા વરસાદની આગાહી છે. વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.

(1:45 pm IST)