Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે રહેતા રીઝવાન મેમણ છેલ્લા 15 વર્ષથી હિન્‍દુ મહિલા નિતુબેનના હાથે રાખડી બંધાવીને સાંપ્રદાયિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ

નિતુબેન ઇદ પર્વ પર રીઝવાનભાઇના ઘરે જઇને પરિવાર સાથે ઇદની શુભેચ્‍છા પાઠવતા

આણંદઃ આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે રહેતા મુસ્‍લિમ બિરાદર રીઝવાનભાઇ મેમણ દર વર્ષે છેલ્લા 15 વર્ષથી હિન્‍દુ મહિલા નિતુબેનના હાથે રાખડી બંધાવી હિન્‍દુ-મુસ્‍લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. નિતુબેન પણ ઇદ મુબારકની શુભેચ્‍છા પાઠવવા પરિવાર સાથે રીઝવાનભાઇના ઘરે જાય છે.

રક્ષાબંધન ભાઈ અને બહેનના ભાવનાત્મક સંબંધોનો પ્રતિક પર્વ છે, આ સંબંધ અનમોલ હોય છે. એકવાર રાખડીથી બંધાયેલો આ સંબંધ જીવન પર્યંત સુધી જોડાયેલો રહે છે. એક બાજુ સાંપ્રદાયિકતાના નામ પર લોકો બિનજરૂરી અશાંતિ ફેલાવે છે ત્યાં બીજી બાજુ આણંદમાં સાંપ્રદાયિક સદભાવની મિશાલ 15 વર્ષથી મુસ્લિમ ભાઈ અને હિંદુ બહેનના સંબંધમાં જોવા મળી રહી છે.

આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રીજ પાસે રહેતા રીઝવાન મેમણ હિંદુ મહિલા નિતુબેનનાં હાથે પોતાનાં કાંડે રાખડી બંધાવીને એમના ભાઈ બન્યા હતા. જે હાલમાં છેલ્લા પંદર વર્ષથી રીઝવાનભાઈ મેમણ દર રક્ષાબંધનના પર્વ પર નિયમિત રાખડી બંધાવીને ભાઈ તરીકેની ફરજ અદા કરી રહ્યા છે.

રક્ષાબંધન અને ભાઈબીજનાં તહેવાર પર રીઝવાનભાઈ પોતાની બહેન નિતુબેન શાહનાં ધરે પહોંચી જાય છે,અને નિતુબેન પોતાનાં ધર્મનાં ભાઈને જોતા જ તેઓને હરખભેર આવકારીને ભાઈ રીઝવાનનાં કાંડા પર રાખડી બાંધે છે, જયારે ભાઈ રીઝવાન પણ પોતાની બહેનને વીરપસલી તરીકે યથા યોગ્ય ભેટ આપીને બહેનની રક્ષાનું વચન આપે છે.

નિતુબેન પણ ઈદ જેવા પર્વ પર રીઝવાનભાઈનાં ધરે જઈને પરિવાર સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવે છે. સામાન્ય રીતે આજે લોકો જાતી ધર્મનાં નામે અંદરો અંદર લડી મરતા હોય છે ત્યારે આ બન્ને ભાઈ બહેનએ પોતે અલગ ધર્મનાં હોવા છતાં રક્ષાબંધનની ઉજવણી કરી સમાજમાં કોમી એખલાસ અને રાષ્ટ્રભાવનાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડીને સમાજનાં તમામ લોકોને સાથે મળી દેશ હિતમાં કામ કરવાનો સંદેશ આપ્યો છે.

(5:11 pm IST)