Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સુરતના વરાછા વિસ્તારમાં કરિયાણા-ફરસાણનો વેપારી બન્યો લૂંટરી દુલ્હનનો શિકાર:2.34 લાખ ગુમાવતા પોલીસનો સહારો લીધો

સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં રહેતો મૂળ જૂનાગઢનો 30 વર્ષનો કરિયાણા-ફરસાણનો વેપારી લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. વેપારી પાસેથી વેલંજા અને વલસાડના બે દલાલની મદદથી ભીવંડીની યુવતી, તેના માતાપિતાએ લગ્ન માટે રોકડા રૂ.2.34 લાખ, સોના-ચાંદીના દાગીના મળી રૂ.2.54 લાખ પડાવ્યા હતા. બાદમાં પગફેરો કરવાના બહાને તેની પત્ની ભીવંડી ગઈ હતી અને તેને તેડવા વેપારી પરિવાર સાથે ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ તેડવા નહીં આવતા તેમજ ઘરે તપાસ કરતા તાળું હોય પડોશીઓને પૂછતાં હકીકત જાણવા મળી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના માળીયા હાઠીનાના જુથળ ગામનો વતની અને સુરતમાં વરાછા ત્રિકમનગર 2 પરમહંસ સોસાયટી ઘર નં.એ/30 માં રહેતો 30 વર્ષીય ગૌતમ કિશોરભાઇ ધનેશા વરાછા માતાવાડી કમલપાર્ક સોસાયટી સરકારી સ્કુલની બાજુમાં ખોડીયાર ફરસાણના નામે કરિયાણા અને ફરસાણનો વેપાર કરે છે. લોહાણા જ્ઞાતિના ગૌતમના સમાજમાં સરળતાથી લગ્ન થતા નહોતા આથી છેલ્લા એક વર્ષથી તેની દુકાને આવતા દિનેશ આહિર ( રહે.રંગોલી ચોકડી, વેલંજા, સુરત ) ને ગત એપ્રિલ માસમાં વાત કરતા અને તેણે મિત્ર રસિક ભિમલેશભાઇ રામાણી ( રહે. ડુંગરી ગામ, વલસાડ ) લગ્ન કરાવવાનું કામ કરે છે તેવું કહેતા રસિકને મળવા બોલાવ્યો હતો.રસિકે સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરૂરાજ શિંદેનો ફોટો બતાવી મારી સગા માસીજીની છોકરી છે, તમને પસંદ આવે તો આગળ વાત ચલાવું પૂછતાં ગૌતમે હા પાડી હતી. ત્યાર બાદ ગૌતમ મોટી બહેન હેતલ, દિનેશ અને રસિક સાથે ભીવંડી પદમાનગર ગયો હતો. ત્યાં સોની, તેની માતા સંગીતા, પિતા ગુરુરાજ અને ભાઈ રાજુ હતા.સંગીતાએ વાતવાતમાં સોનીથી જ ઘર ચાલે છે, ભાઈ અલગ રહે છે. મને ડાયાબિટીસની અને પતિને ફેફસાની બીમારી છે.તમે દવાખાના અને દવાનો ખર્ચ રૂ.2.50 લાખ આપો તો અમે લગ્ન કરાવીશું કહેતા ચર્ચા બાદ ગૌતમ રૂ.2.11 લાખ આપે એટલે કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે દિનેશ અને રસિકે દલાલી પેટે રૂ.8 હજારની પણ માંગણી કરી હતી. ગત 4 જુલાઈના રોજ ગૌતમે પોતાના અને સોનીના પરિવારના સભ્યોની હાજરીમાં વલસાડ કોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્યાં સોનીની માતાને રૂ.1.50 લાખ રોકડા ગૌતમના પિતાએ આપ્યા હતા. લગ્ન કરી તેઓ સુરત આવ્યા હતા અને બીજા દિવસે રંગઅવધૂત વાડીમાં હિન્દૂ રીતિરિવાજ મુજબ લગ્ન કરી બાકીના રૂ.61 હજાર સોનીની માતાને આપ્યા હતા.

(5:53 pm IST)