Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરોને લોકોએ રંગેહાથે ઝડપી મેથીપાક ચખાડ્યો

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામે દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરતા શખ્સને દુકાન માલિકે રંગે હાથ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. તસ્કર ઝડપાયો હોવાની વાત જાણવા મળતા એકત્રિત  લોક ટોળાએ પણ તેને માર માર્યો હતો. ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

શહેરના આજવા રોડ ખાતે રહેતા હરેશભાઈ તોલાણી કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરની સામે લોખંડના કઠેડા ઉભા કરી કપડાના પડદાવાળી  દુકાનમાં માસ્ક તથા ચપ્પલ સહિતના સામાનનું વેચાણ કરે છે. ગઈકાલે રક્ષાબંધન પર્વ નિમિત્તે તેમણે દુકાન બંધ રાખી હતી. દરમિયાન સવારે  પાડોશી દુકાનદારે જાણ કરી હતી કે, તમારી દુકાનમાં અજાણ્યો શખ્સ હિલચાલ કરી રહ્યો છે. જેથી તેઓ તુરંત દુકાને ઘસી ગયા હતા. અને દુકાનમાંથી રૂ.5 હજારની કિંમતનું કપડાનું પોટલું અજાણ્યો શખ્સ પોતાની બાઈક ઉપર મૂકી નાસી છૂટે તે અગાઉ તેને ઝડપી પાડ્યો હતો. ઘટનાના પગલે એકત્ર થયેલા લોક ટોળાએ તસ્કરને માર મારી પાઠ પણ ભણાવ્યો હતો. બનાવ અંગે પોલીસ કંટ્રોલને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં શખ્સ સાકીબ ઉર્ફે કાળીયો સલીમમિયા શેખ ( રહે - રેન બસેરા, એકતાનગર , બાવનચાલ , કારેલીબાગ ) હોવાનું બહાર આવ્યું હતું.

(5:55 pm IST)