Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

અમદાવાદ:ક્રાઇમ બ્રાન્ચના નામે વાહનચાલકો પાસેથી પૈસા પડાવનાર નકલી પોલીસનો પર્દાફાશ

અમદાવાદ: ક્રાઇમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાનુ કહીને રાતના સમયે એકલ દોકલ વાહનચાલકોને રોકીને કાગળો તપાસવાના બહાને તોડ કરી રહેલા ચાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી લીધા હતા. જેમાં ચારેય જણાએ નકલી પોલીસ બનીને અનેક લોકોને અલગ અલગ ગુનો નોંધવાની ધમકી આપીને મોટા પ્રમાણમાં નાણાં પડાવ્યાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ં ખોખરા પોલીસનો સ્ટાફ બુધવારે રાતના સમયે પેટ્રોલીંગમાં હતો. તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે હાટકેશ્વર બ્રીજ પર ક્રાઇમબ્રાંચના માણસો વાહનચેકિંગના નામે લોકોને રોકીને તોડ કરી રહ્યા છે. જેથી શંકા જતા પોલીસે ખાનગીમાં સ્થળ પર જઇને તપાસ કરતા ત્યાં ચાર યુવકો નંબર વિનાના બે બાઇક લઇને વાહનચાલકોને રોકીને કાગળો તપાસી રહ્યા હતા અને તેમણે ખાનગીમાં તપાસ કરવા ગયેલા પોલીસ કર્મચારીને રોકીને નાણાંની માંગણી કરી હતી. જેના આધારે પોલીસે તેમને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચારેય જણા નકલી પોલીસ બનીને લોકો પાસેથી નાણાં પડાવી રહ્યા હતા.  તપાસમાં તેમના નામ સરફરાજ અલી સૈયદ (રહે.જનતાનગર, જૈનવાડી,  રામોલ) ,  કૃણાલ શાહ (રહે. અક્ષરધામ હાઇટ્સ,વસ્ત્રાલ), જાફર રંગરેજ (રહે.છીપા સોસાયટી, દાણીલીમડા) અને લીયાકત હુસૈન શેખ (રહે.આર્શીવાદ રેસીડેન્સી જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું.  ચારેય જણા છેલ્લાં ઘણા સમયથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાતના સમયે ક્રાઇમ બ્રાંચ કે સ્થાનિક પોલીસના નામે વાહનચેકિંગ કરીને અનેક લોકો પાસેથી નાણાં પડાવતા હતા. ચારેય આરોપીઓ વિરૂધ્ધ મેધાણીનગર,નરોડા,  ગોમતીપુર, દાણીલીમડા, ગાયકવાડ હવેલી અને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. આ અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)