Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 5 દરવાજા 30 સેન્ટિમીટર ખોલવામાં આવ્યા : જળ સપાટી 133.95 મીટર પર પહોંચી

દર કલાકે 3 થી 4 સેન્ટિમીટરનો વધારો : ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ )ની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પરિણામે ચાલુ સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 5 દરવાજા 30 સેન્ટિમીટર ખોલવામાં આવ્યા. હાલ અંદાજે 20 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમની જળ સપાટી 133.95 મીટર પર પહોંચી છે. ડેમની સપાટીમાં દર કલાકે 3 થી 4 સેન્ટિમીટરનો વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં સરેરાશ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મહત્વનું છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.જેની સામે 133.51 મીટર પાણી ભરાઇ ચૂક્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ  સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

છેલ્લા 25  દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના 4 યુનિટ મારફત સરેરાશ રૂ 98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119  મીટરે હતી. હાલમાં 200  મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.

(8:42 pm IST)