Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા બની શકે છે નાયબ મુખ્યપ્રધાન પાટીદારની સાથે સાથે ઓબીસી અને ક્ષત્રિય સમાજને પણ પૂરતુ પ્રધાન્ય

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે મુખ્યપ્રધાનનો ચહેરો બદલ્યો છે. વિજયભાઈ  રૂપાણીના સ્થાને નવા મુખ્યપ્રધાનના નેતૃ્ત્વમાં 2022ની ચૂંટણી લડાશે. જો કે ચૂંટણી જીતવા માટે સામાજીક સમિકરણોને ધ્યાને રાખીને ભાજપ આ વખતે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા નરેન્દ્રભાઈ  મોદી અને અમિતભાઈ  શાહના વિશ્વાસુ એવા પ્રદિપસિંહ જાડેજાને નાયબ મુખ્યપ્રધાન બનાવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી વિજયભાઈ  રૂપાણીને બદલ્યા બાદ, રાજકીય ક્ષેત્રે થઈ રહેલી ચર્ચા મુજબ ભાજપ હવે પાટીદારની સાથેસાથે ઓબીસી અને ક્ષત્રિય સમાજને પણ પૂરતુ પ્રધાન્ય આપવા ઈચ્છે છે. જેના ભાગરૂપે જ પ્રદિપસિંહ જાડેજાને પ્રમોશન આપીને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન બનાવાઈ શકે છે. ગુજરાતના ગૃહપ્રધાન તરીકે પ્રદિપસિંહ જાડેજાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર જાળવી રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહના વિશ્વાસુ તરીકે ઉભરી આવ્યા છે.

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનુ નેતૃ્ત્વ કરવામાં પણ પ્રદિપસિહ સફળ પૂરવાર થયા છે. વિધાનસભાની ગત ચૂટણીમાં ભાજપના તત્કાલિન પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સામે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવામાં પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથેસાથે પ્રદિપસિંહ જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ ભાજપમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ કે જાડેજાની સાથેસાથે ક્ષત્રિય સમાજના પ્રબળ આગેવાન તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી હતી

(10:17 pm IST)