Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સ્વચ્છ ભારત મિશનના સ્વપ્નને સાકાર કરતો કમળ પથ આ પ્રકારનો રાજ્યનો પ્રથમ પ્રોજેક્ટ : નાયબ મુખ્યમંત્રી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા શહેરને ત્રિવિધ વિકાસકાર્યોની ભેટ :રૂ.૬૨ કરોડના ખર્ચે રાધનપુર રોડથી મોઢેરાને જોડતા કમળ પથનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી: મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે ૧,૫૦૦ લીટર પ્રતિ મિનીટ ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્લાન્ટ તથા રૂ.૨.૭૫ કરોડના ખર્ચે નિર્મિત ઘનિષ્ઠ પશુ સુધારણા કચેરીનું લોકાર્પણ

મહેસાણા: મહેસાણાની પાંજરાપોળની સામે મહેસાણા-રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા રૂ.૬૨ કરોડના ખર્ચે નવનિર્મિત કમળ પથના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વધુ વિસ્તારને આવરી લેતો આ નવીન રસ્તો મહેસાણાના વિકાસ માટે વધુ લોકઉપયોગી પુરવાર થશે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસ, સમૃદ્ધિ, આરોગ્ય અને લોકસુખાકારી માટે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્ને સાકાર કરતો કમળ પથ આ પ્રકારનો રાજ્યનો પ્રથમ રસ્તો છે. વરસાદી અને ગંદા પાણીના નિકાલ માટેના નાળામાં થતી ગંદકી અને તેના કારણે આસપાસના રહીશોને પડતી મુશ્કેલીને નિવારવા નાળા પર રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનવાના કારણે વરસાદી પાણીના નિકાલ માટેના નાળામાં થતી ગંદકી અટકવા સાથે મહેસાણા-રાધનપુર રોડથી મોઢેરા રોડ સુધી સલામતીભર્યો અને સરળ માર્ગ ઉપલબ્ધ બન્યો છે.
મહેસાણા-રાધનપુર રોડથી દેદીયાસણ ગામ તરફ જતાં વરસાદી પાણીના નાળા પર બોક્સ કલવર્ટ સિસ્ટમ પર આધારીત ૨૧૦૦ મીટરની લંબાઈના ફોરલેન કમળ પથ પર ક્રેશ બેરિયર, સ્ટ્રીટલાઈટ અને રોડ ફર્નિચર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ કમળ પથની બંને બાજુ આસપાસની સોસાયટીઓના ગંદા પાણીના નિકાલ માટે ૧૧૦૦ મી.મી. વ્યાસની ગટરલાઈન પણ નાંખવામાં આવી છે.
કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનની પડેલી ઘટની આપૂર્તિ માટે કોર કમીટીમાં નિર્ણય કરી રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ૪૦૦ મેટ્રીક ટન ઓક્સિજન ઉપલબ્ધ બની રહે તે માટે જિલ્લાની તમામ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રતિ મિનિટ ૧૫૦૦ લિટર ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવો પ્લાન્ટ ઓ.એન.જી.સીના સહયોગથી સ્થાપવામાં આવ્યો છે. જો કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તો દર્દીઓને સારવાર માટે જરૂરી ઓક્સિજન ઉપલબ્ધ બને અને તેમને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે નિર્મિત આ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યો હોવાનું પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોથી લઈ આદિવાસી વિસ્તારો સુધી પીવાના શુદ્ધ પાણી, વિજળી અને વાહનવ્યવહાર સહિતની માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહેસાણામાં પણ આ અવિરત વિકાસયાત્રાને આગળ વધારવા મહેસાણા-મોઢેરા સર્કલ પર અંડરપાસથી લઈ બહેચરાજી-ચાણસ્મા રોડને ફોરલેન કરવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે.
કમળ પથ ખાતે તકતીનું અનાવરણ કરી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મહેસાણાના શહેરીજનો માટે આ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે જ પશુપાલન આધારીત મહેસાણા જિલ્લાના પશુપાલકોની સુવિધા માટે રૂ.૨.૭૫ કરોડના ખર્ચે ઘનિષ્ઠ પશુ સુધારણા કચેરીનું પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ જશુભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારઓ, જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ સહિતના અધિકારીઓ તથા મહેસાણાના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:12 pm IST)