Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આસારામને મળવા માટે નારાયણ સાઇ વચગાળા જામીન માટે હાઇકોર્ટના શરણે

માતા-પિતાને મળવા ગુજરાત હાઈકોર્ટમાં 10 દિવસની વચગાળાના જામીન માંગ્યા

અમદાવાદ :સુરતની મહિલા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આરોપી નારાયણ સાઈ તરફે તેના માતા-પિતાને મળવા ગુજરાત હાઈકોર્ટમાં 10 દિવસની વચગાળા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. આ જામીન અરજી પર 2 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાની શકયતા છે.

અરજદાર નારાયણ સાઈએ તેમના એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે નારાયણ સાઈ – પિતા આસારામ બાપુને પાછલા સાત વર્ષથી મળ્યા નથી. આસારામ બાપુ દુષ્કર્મ કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા હેઠળ છે. હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નારાયણ સાઈ – 87 વર્ષીય પિતા આસારામ બાપુને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે જેથી આધ્યાત્મિક સાધના માટે અને પિતા – પુત્ર વચ્ચેના પ્રેમને ધ્યાનમાં રાખીને વચગાળા જામીન આપવા આવે.

           ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વધુમાં ઉમેર્યું હતું કે અરજદાર નારાયણ સાઈની 77 વર્ષીય માતાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમને ઘરમાં સપ્લીમેન્ટરી ઓક્સિજન પર રાખવા પડે છે. અરજદાર તેમની માતાને છેલ્લા 5 વર્ષથી મળ્યા નથી જેથી તેમને વચગાળા જામીન આપવામાં આવે. કોરોના મહામારીના સમયમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમની સારવાર ઘરમાં જ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નારાયણ સાઈ એક-માત્ર પુત્ર હોવાથી પારિવારિક કટોકટીના સમયમાં તેમના માતા-પિતાને મદદ કરવા માટે તેમને 10 દિવસની વચગાળા જામીન આપવામાં આવે. નારાયણ સાઈ ઘણા લાંબા સમયથી તેમના માતા-પિતાને મળ્યા ન હોવાથી તેમના સ્વાસ્થય પર અસર પડી રહી છે.

        અરજદાર તરફે વધુમાં રજુઆત કરવામાં આવી છે કે માનવતાના ધોરણે આરોપી – અરજદારને તેના પરિવારથી દૂર ન રાખવામાં આવે. નારાયણ સાઈના પિતા કાયદાકીય રીતે અટકાયેલા છે જ્યારે માતાના સ્વાસ્થ્ય ખરાબ છે. પાછલા કેટલા વર્ષોથી બંનેએ નારાયણ સાઈને પર્સનલ મુલાકાતમાં મળ્યા નથી કે ઇન્ટરવ્યૂ પણ જોયું નથી. જેથી તેમને વચગાળા જામીન આપવામાં આવે

સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી અને હાલ જોધપુર જેલમાં સજા હેઠળ છે. જ્યારે અન્ય એક કેસ ગાંધીનગર કોર્ટમાં પેન્ડિંગ છે.

સુરતની મહિલા સાથે દુસકર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાઈને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસની અપીલ અરજી હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુરતની મહિલાએ નારાયણ સાઈ પર આક્ષેપ કર્યો હતો કે 2002 થી 2005 દરમિયાન સુરત આશ્રમમાં હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

(10:04 pm IST)