Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોરોના ઈફેક્ટ : ધોળાકૂવાની પરંપરા તૂટી:આ વર્ષે નહિ યોજાય માતાજીના ફૂલોના ગરબા : મેળાવડો પણ મોકૂફ

કોઇપણ સ્ટોલ કે દુકાન પણ એ દિવસે ખુલ્લી ન રાખવા અપીલ : પોતાના ઘરેથી જ માતાજીની આરતી અને આરાધના કરવાની વિનંતી

અમદાવાદ : કોરોનાને કારણે ધોળાકૂવાની ફૂલોના ગરબાની પરંપરા તૂટી છે. કોરોના મહામારીને કારણે ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ખાતે દિવાળીના દિવસે માતાજીના ફૂલોના ગરબા તથા જાહેર મેળાવડો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પરિસ્થિતિ જોઇને 15 નવેમ્બરે ગરબા અને મેળો યોજવો કે નહીં તેને લઈ નિર્ણય લેવા અંગે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી હતી. પરંતુ શિયાળો આવતા જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે, ફરી એકાએક કેસો અને ગ્રામજનોની સલામતીને ધ્યાને રાખી ધોળાકુવા - શબ્દલપુરા ગ્રામ પંચાયત કચેરી દ્વારા આ વર્ષે તમામ આયોજનો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

શબ્દલપુરા ગ્રામ પંચાયતે પત્ર લખીને જણાવ્યું કે, આ સાથે જ કોઇપણ સ્ટોલ કે દુકાન પણ એ દિવસે ખુલ્લી ન રાખવા અપીલ કરાઈ છે. તેમજ સ્થાનિકો અને દિવાળીના દિવસે બહારથી ગામમાં આવતા મહેમાનોને પોતાના ઘરેથી જ માતાજીની આરતી અને આરાધના કરવાની વિનંતી કરાઈ છે.

ધોળાકુવા ગામમાંદિવાળીના તહેવારોમાં ગામમાં રાંગણી માતાજીના બાધા માનતાના 35 ફુટ ઉંચા અને 20 ફુટ પહોળા ફુલોના ગરબા બનાવવામાં આવે છે. દરરોજ ફુલોના ગરબાને માઇભક્તો માથે લઇને ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરવામાં આવે છે. ગામના પાટીદાર અને ઝાલા વંશી ઠાકોર યુવાનો દ્વારા આ ગરબા યોજાય છે. જેમાં સમગ્ર ગામને રોશનીથી શણગારાય છે. આ માતાજી માટે લોકો માનતા પણ માને છે, જેથી આ દિવાળીને દિવસે ગુજરાતભર અને દેશવિદેશના લોકો અહી પોતાની બાધા પૂરી કરવા આવે છે

   કહેવાય છે કે, 562 વર્ષ પેહલા ધોળાકૂવા ગામમાં રાગણી માતાજી સ્વંયભૂ પ્રગટ થયા હતા. તેથી લોકોમાં તેમના પ્રત્યે અનોખી શ્રદ્ધા છે. ભક્તો દ્વારા તેમને સુખડી, ગોળ, તેલ અને શ્રીફળ ધરાવવામાં આવ છે. દિવાળીના દિવસે ફૂલોના ગરામાં તેલના દિવા કરાય છે. સાથે જ સેંધણી માતાજીના ગરબા પણ કાય છે. જૂની પરંપરા મુજબ, ગરબા માથે ઉંચકીને ગામની વચ્ચે આવેલા મંદિરમાં તેઓને લાવવામાં આવે છે. તેના બાદ માતાજીના ગરબાને વળાવવામાં આવ છે.

(10:10 am IST)