Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

લોકડાઉનને કારણે ૮૦ લાખના વ્યાજના ચાર હપ્તા ચુકી ગયા'તા

ગ્લોબલ હોસ્પિટલના માલિકના પત્નિને વ્યાજ માટે લોહીની નદીઓ વહાવી દેવાની ધમકી

અમદાવાદ તા. ૧૨: વ્યાજખોરીના એક કિસ્સામાં સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલના માલિક સુરેશભાઇ બાબુલાલ જાનીના પત્નિને વ્યાજની ઉઘરાણી માટે ઘરમાં ઘુસી ભરત અમરતભાઇ દેસાઇ નામના શખ્સે આખા પરિવારને મારી નાંખી લોહીની નદીઓ વહાવવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

સુરેશભાઇ જાની સાયન્સ સીટી રોડ પર જે. બી. કોમ્પલેક્ષ સામે ડિવાઇન બંગલોમાં પત્નિ અરૂણાબેન સાથે રહે છે. અરૂણાબેનના પતિ સુરેશભાઇ આર્થિક સંકટમાં આવતાં આર્યન સોસાયટીના ભરત અમરતભાઇ દેસાઇ પાસેથી રૂ. ૮૦ લાખ ૫ ટકા વ્યાજથી લીધા હતાં. પરંતુ લોકડાઉનમાં ચાર હપ્તા ચડત થઇ જતાં વ્યાજની આકરી ઉઘરાણી શરૂ થઇ હતી. દોઢ વર્ષ પહેલા ભરત દેસાઇ પાસેથી આ રકમ વ્યાજે લેવાઇ હતી. ગયા મંગળવારે બપોરે ભરત દસાઇ સુરેશભાઇના ઘરે પહોંચ્યો હતો અને સુરેશભાઇ હાજર ન હોઇ તેમના પત્નિને 'જાની કયાં છે?' તેમ પુછતાં તેણીએ તે બહાર હોવાનું કહેતાં તે જતો રહ્યો હતો.

એ પછી સાંજે આઠ વાગ્યે ભરત અને તેનો ડ્રાઇવર દિનેશ ફરી ઘરે આવ્યા હતાં અને જાનીકાકા ઘરમાં જ છે, તમે સંતાડી રાખ્યા છે, હું શોધી કાઢીશ. નહિ મળે તો સવાર સુધીમાં લોહીની નદી વહાવી દઇશ. તેમ કહી ઘરના તમામ રૂમ ચેક કર્યા હતાં.  ભારે દેકારો મચાવી અપશબ્દો પણ બોલ્યા હતાં. અંતે અરૂણાબેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં સોલા પોલીસે પહોંચી ભરત દેસાઇ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:25 pm IST)