Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રવિ પાકની વાવણી પુરજોશમાં : સૌથી વધુ ૧,૨૩,૮૦૧ હેકટરમાં ચણાનું વાવેતર

શિયાળુ પાક પુષ્કળ થવાના સંજોગો : ૫૯૯૪૭ હેકટરમાં ઘઉં વાવવામાં આવ્યા : રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાંથી ૧૬.૧૧ ટકામાં વાવણી થઇ ગઇ

રાજકોટ તા. ૧૨ : ગુજરાતમાં રવિ પાકની વાવણીની મોસમ ચાલી રહી છે. આ વર્ષે વરસાદ સારો થઇ ગયો હોવાથી તળમાં અને જળાશયોમાં પાણી છે તેથી ઘઉં, ચણા, જીરૂ જેવા શિયાળુ પાક પુષ્કર પ્રમાણમાં પાકવાના સંજોગો છે. ગયા વર્ષની સરખામણીએ શિયાળુ વાવેતર ઉત્સાહવર્ધક છે. સરકારે વાવેતરના ૯ નવેમ્બરની સ્થિતિના આંકડા જાહેર કર્યા છે. રવિ પાક ૩ મહિના પછી તૈયાર થશે.

રાજ્યમાં આ વર્ષે ૯ નવેમ્બરની સ્થિતિએ પિયત અને બિનપિયત મળી કુલ ૫૯૯૪૭ હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર થયેલ છે. તે ગયા વર્ષના આ સમયગાળામાં ૬૮૫૧ હેકટરમાં વાવેતર થયેલ. કુલ નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ ૫.૫૨ ટકા ઘઉંનું વાવેતર થઇ ગયું છે. ગયા વર્ષે ૯ નવેમ્બર સુધીમાં ૮૩૫૮ હેકટરમાં ચણાનું વાવેતર થયેલ. આ વર્ષે અત્યાર સુધીમાં ૧,૨૩,૮૦૧ હેકટરમાં ચણાનું વાવેતર થઇ ગયું છે. તે કુલ વાવેતર વિસ્તારના ૪૨.૪૪ ટકા જેટલું થાય છે. તમામ કઠોળ મળીને ૫૧.૫૧ ટકા અને ધાન્ય પાકોનું ૫.૯૦ ટકા વાવેતર થયું છે. જીરૂ ગયા વર્ષના ૪૬૨ હેકટર સામે આ વખતે ૧૦૭૪૩ હેકટરમાં વવાઇ ગયું છે. તે કુલ વાવેતર વિસ્તારનું ૨.૬૫ ટકા થાય છે. હજુ વિવિધ પાકોમાં વાવણી ચાલુ છે.

જુવાર ૭.૨૫ ટકા વિસ્તારમાં વાવવામાં આવી છે. જીરૂ ૨.૬૨ ટકા વિસ્તારમાં વાવવામાં આવ્યું છે. શેરડીનું વાવેતર ૫૨.૨૬ ટકા વિસ્તારમાં થયું છે. રાજ્યમાં ગયા વર્ષે આ સમયગાળામાં કુલ ૧,૬૪,૮૮૨ હેકટરમાં વાવેતર થયેલ. તે આ વર્ષે ૫,૫૩,૯૪૩ હેકટરમાં થયુ઼ છે. તે કુલ નોર્મલ વાવેતર વિસ્તારના ૧૬.૧૧ ટકા થાય છે.

(11:30 am IST)