Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બહેનની મશ્કરી કરનાર યુવકોને ઠપકો આપવા જતા ભાઈ પર ચપ્પુથી હુમલો

સુરત,તા.૧૨: શહેરમાં હત્યા અને હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક આવો બનાવ બન્યો છે. ગતરોજ એક યુવાન પર ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. પોતાની બહેનની મસ્કરી બાબતે ઠપકો આપવા જતા દારૂના નાશમાં રહેલા ત્રણ યુવાનોએ યુવક પર ચપ્પાથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા અમન અનિસ અન્સારી માર્કેટમાં સાડી કટિંગનું કામ કરે છે. ગતરોજ પોતાની નોકરી પુરી કર્યા બાદ તે ઘરે પહોંચ્યો હતો. આ સમયે તેની બહેને પડોશમાં રહેલા દાદુ, દોધીયો અને ગણીયો પજવતા હોવાની ફરિયાદ કરી હતી.

જે બાદમાં ભાઈએ પાડોશી યુવાનોને ઠપકો આપવા પહોંચી ગયો હતો. અને આ યુવાનોને ઠપકો પણ અપ્યો હતો. જોકે, દારૂના નશામાં ચકચૂર આ યુવાનોએ ઠપકો આપવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાદમાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને ત્રણેય યુવકની શોધોખોળ શરૂ કરી છે.

(12:35 pm IST)