Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

નવજીવન ક્રેડિટ કો-ઓપ.સોસાયટીના મુખ્ય સલાહકારના જામીન મંજુર

ગુજરાત-રાજસ્થાનના થાપણદારોના કરોડો રૂપીયા ઓળવી જવાના ગુન્હામાં પકડાયેલ : થાપણદારોના પૈસા ક્રેડિટ સોસાયટીમાંથી પોતાની પ્રાઇવેટ પેઢીમાં ટ્રાન્સફર કરી નાણાંકીય ઉચાપત કરેલ હોવાની ફરીયાદ નોંધાઇ હતી

રાજકોટ તા. ૧ર : નવજીવન ક્રેડિટ કો-ઓપ.સોસાયટી દ્વારા ગુજરાત અન રાજસ્થાનના સાડા ચાર હજાર લોકો પાસેથી અલગ-અલગ સ્ક્રીમોમાં પૈસા મેળવી તે પૈસા પોતાના અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરી દઇ છેતરપીંડી કરવાના ગુન્હામાં પકડાયેલ સોસયટીના મુખ્ય સલાહકાર સંતોષ ભગવાનદાસ જોષીના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારામંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે નવજીવન ક્રેડિટ કો-અપો.સોસાયટીના રાજકોટ શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા સી.એચ.વ્યાસે સોસાયટીના (૧) એમ.ડી.ગોરધરસિંગ મંગસિંહ સોઢા (ર) મુખ્ય સલાહકાર સંતોષ ભગવાનદાસ જોષી(૩) ચીફ જનરલ મેનેજર જોગીદરસિંગ રાઠોડ (૪) સીનીયર જનરલ મેનેજર દિવનેશ શર્મા તથા (પ) ચીફ એકાઉન્ટન્ટ પરસોતમ બધા રહેવાસી બાડમેર, રાજસ્થાન વિરૂદ્ધ ફરીયાદ આપતા જણાવેલ હતું કે નવજીવન ક્રેડિટ કો-ઓપ.સોસાયટીની મુખ્ય શાખા ખાડમેર રાજસ્થાન ખાતે આવેલ છે અને રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંં તેની બ્રાંચ ઓફીસો ખોલવામાં આવેલ છે અનેે ગુજરાત-રાજસ્થાનમાં કુલ મળી સાડા ત્રણસો જેટલી, બ્રાંચ ખોલવામાં આવેલ છે જે બ્રાંચોમાં રાજકોટ શહેરમાંથી જ સાડા ચાર હજાર જેટલા સભાસદો બનેલ હતા જેમા સિનીયર સીટીઝનથી માંડી છુટક કામ કરતા નાના વર્ગના માણસોએ ડેઇલી કલેકશન સ્ક્રીમમાં વાર્ષિક ૯ થી ૧ર% ના વ્યાજ મળે તે હેતુથી જુદી જુદી સ્ક્રીમો હેઠળ આશરે રૂ.૧૬,૧પ,૦૦,૦૦૦/- જેવી રકમ સોસાયટી દ્વારા ઉઘરાવવામાં આવેલ હતી. જે તમામ રકમ કંપનીની મુખ્ય શાખામાં મોકલાવી દીધેલ હતી. તમામ રકમ થાપણદારોન પાકડી મુદતે વ્યાજ સહિત પરત આપવાનું વચન આપેલ હતું જે આરોપીઓએ પુર્વઆયોજીત કાવતરૂ રચીને ઉઘરાવેલ રકમ પોતાની પ્રાઇવેટ, પેઢીમાં ટ્રાન્સફર કરેલ અને અમુક રકમ પોતાના મળતીયા અન્ય લોકો ની પેઢીમાં તબદીલ કરી અસંખ્ય લોકો સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ હોય આરોપીઓ વિરૂદ્ધ થાપણદારોના નાણા ઓળવી જવા માટેના સ્પેશ્યલ કાયદા જીપીઆઇડી એકટર તેમજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગૂન્હો નોંધાતા આંતર રાજય કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોપવામાં આવેલ અને તપાસ દરમ્યાન સીઆઇડી ક્રાઇમે રાજસ્થાન બાડમેર ખાતે રહેતા કંપનીના મુખ્ય સલાહકાર અને કૌભાંડના ભેજાબાજ એવા સંતોષ ભગવાનદાસ જોષીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.

સી. આઇ. ડી. ક્રાઇમ દ્વારા ઉપરોકત ગુન્હાના કામે ધરપકડ થતાં આરોપી સંતોષ જોષીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી રજૂઆત કરેલ હતી કે અરજદાર સંતોષ તે કંપનીમાં સલાહકાર તરીકે ફરજ બજાવે છે અને કંપનીના એમ. ડી. કે અન્ય ડીરેકટરો જે કંઇ નિર્ણયો લે તેનું અનુકરણ કરવાની જવાબદારી અરજદારની હોય છે. વિશેષમાં એવું પણ જણાવેલ કે સોસાયટીના સલાહકાર તરીકે તેઓ અલગ અલગ વર્કશોપનું આયોજન કરી તેમાં ટીમ ડેવલોપમેન્ટ કરવાની ફરજ બજાવતા હતા તે સિવાય કંપનીના નાણાંકીય વ્યવહારોમાં તેમનો કોઇ સહભાગી હોવા છતાં ખોટી રીતે ગુન્હામાં સંડોવી દીધેલ હોવાથી આરોપીને જામીન પર મુકત કરવા જોઇએ તેવી રજૂઆતો કરેલ હતી.

જયારે સામા પક્ષે પોલીસ દ્વારા એવી રજૂઆત કરાઇ હતી કે હજારો લોકો સાથે છેતરપીંડી કરવાનું આંતર રાજય કૌભાંડ છે અને હજુ નવા ભોગ બનનાર લોકો સામે આવે તેવી શકયતાઓ છે તેમજ આરોપી સંતોષ નવજીવન ક્રેડીટ-કો. ઓપ. સોસાયટીમાં એમ. ડી. પછીની સૌથી અગત્યની પોષ્ટ પર હતો અને ગુજરાતની તમામ બ્રાંચનું હેન્ડલીંગ અને સુપરવિઝન આરોપી સંતોષ દ્વારા કરવામાં આવતુ હોય ગુન્હામાં તેની સંડોવણીના પુરાવાઓ મળેલ હોવાથી આરોપીને જામીન ન આપવા રજૂઆતો કરવામાં આવેલ હતી.

બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોને ધ્યાને લીધા બાદ આરોપીએ ગુન્હામાં ભજવેલ સહભાગ અને આરોપી તરફે થયેલ દલીલો સાથે સહમત થઇ આરોપીનો પાસપોર્ટ અદાલતમાં જમા લઇ નિયમીત રીતે સી. આઇ. ડી. ક્રાઇમમાં હાજરી પુરાવવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી સંતોષ ભગવાનદાસ જોષી વતી રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી તેમજ અમદાવાદના એસ. આઇ. નાણાવટી રોકાયેલ હતાં.

(3:26 pm IST)