Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દિવાળીના તહેવારોમાં પણ કોરોના ટેસ્‍ટીંગ થઇ શકે તે માટે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની ટીમની રજા રદ્દ

અમદાવાદ : એક તરફ ઠંડી વધી રહી છે અને બીજી તરફ તહેવારોનો માહોલ છે ત્યારે દીવાળીના તહેવારોમાં પણ કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકે તેમજ નાગરિકોને અગવડતા ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની ટીમની રજા રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દિવાળીના તહેવારમાં દાઝી જવાના કેસો વધુ જોવા મળતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલમાં રાઉન્ડર ધ કલોક ડૉક્ટર રહે તે માટેની પણ વ્યવસ્થા કરી દીધી છે. આ અંગે આજે સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ અંગેના કામોની મંજુરી આપવામાં આવી હતી. વેજલપુર વિસ્તારના નાગરિકો માટે ખુશીના સમાચાર છે. વેજલપુર વિસ્તારમાં ત્રણ કરોડના ખર્ચે વાંચનાલય તેમજ જિમ્નેશિયમ બનાવવામાં આવશે. આ વાંચનાલય સેન્ટ્રલ એર કન્ડીશન હશે. 12.14 કરોડના ખર્ચે સ્ટેડિયમ વોર્ડના રસ્તાઓ કરવાના કામને મંજૂરી આપવામાં આવે છે.

દિવાળીના તહેવાર બાદ સ્ટેડિયમ વોર્ડના રસ્તાઓ રિસરફેસ કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આપવાનો અને કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. શાહીબાગ તેમજ અસારવા વિસ્તારના 2 પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આપવામાં આવશે. અસારવામાં જે પ્લોટ આપવાનો છે ત્યાં રેન બસેરા પણ આવેલું છે. જો જરૂર પડશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવશે અને અન્ય જગ્યા પર ખસેડવામાં આવશે.

(4:35 pm IST)