Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બાળકોની સલામતી આપણી સૌની જવાબદારી છે, સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા નથી માંગતી, વાલીઓની સંમતિ મુદ્દે ગેરસમજ કરવાની જરૂર નથીઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર: ગુજરાતમાં શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, ‘આપણી પહેલાં અનેક રાજ્યોએ શાળા ખોલી દીધી છે. 7 રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનામાં જ શાળાઓ ખોલી નાખવામાં આવી હતી. શાળા-કોલેજો ખોલવાના નિર્ણયમાં આપણે પહેલા નથી. જો કે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓના હાજરી માટે સરકારની ગાઇડલાઇન પ્રમાણે વાલીઓની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. બાળકોની સલામતી આપણા સૌની જવાબદારી છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા નથી માંગતી. શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય કેન્દ્ર સરકારનો છે. વાલીઓની સંમતિ અંગે ગેરસમજ કરવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યમાં દિવાળી બાદ તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ કરાશે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરાશે. 23 નવેમ્બરથી ધો.9થી 12ના વર્ગો શરૂ કરાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખોલવામાં આવશે. કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે વર્ગો શરૂ થશે. સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ વર્ષના ક્લાસ શરૂ કરવામાં આવશે. ભારત સરકારની SOP મુજબ રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. કોલેજોમાં પણ શિક્ષણકાર્ય શરૂ કરી દેવાશે.

ITI, પોલિટેકનિક કોલેજ પણ 23 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે. કોલેજ-યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ-પેરામેડિકલ કોલેજો શરૂ કરાશે. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં ગણાય. એ માટે વાલીઓની સહમતિ સંસ્થાઓએ મેળવવાની રહેશે. સ્કૂલો-કોલેજોમાં સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા તેમજ સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા શાળાના આચાર્યએ કરવાની રહેશે. થર્મલ ગનથી શિક્ષકોની દરરોજ તપાસ કરવાની રહેશે. દરેક વિદ્યાર્થીઓને તેમના વાલીની સંમત્તિ માટેનું ફોર્મ આપવાનું રહેશે.

(4:36 pm IST)