Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદમાં બિરયાનીમાં બોટી ઓછી આવવાની સામાન્‍ય બાબતમાં ગ્રાહક ઉશ્‍કેરાયોઃ મિત્રો સાથે મળીને 3 કર્મચારીઓને છરીના ઘા ઝીંક્‍યા

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બિરયાનીમાં બોટી ઓછી આવવાની સામાન્ય બાબતે એક ગ્રાહક ઉશ્કેરાઇ ગયો હતો. તેને મિત્રો સાથે મળીને હોટલના ત્રણ કર્મચારીઓને ચાકુના ઘા ઝીંકી દીધા હતાં. જેથી અમરાઈવાડી પોલીસે હત્યાની કોશીશનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડીમાં હાટકેશ્વર શાક માર્કેટ પાસે આવેલી આર.કે.આમલેટ હોટલ પર નોકરી કરતા દીપક મંગરૂભાઈ ગૌડએ ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં બુધવારે ત્રણ શખ્સો વિરુદ્ધ તેઓએ હત્યાની કોશીશની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી રોકી ઉર્ફે સોનુ લીનુસભાઈ માસ્કેરીન, નાવેદ આલમ સલીમ શેખ અને સમસાદ ઉર્ફે બટલર બદરૂજમા શેખ તમામ રહે. ભાઈપુરા, ખોખરાનો સમાવેશ થાય છે.

નાવેદ શેખ અવારનવાર આર.કે.આમલેટ પરથી બિરયાનીની ખરીદી કરતો અને પાર્સલ કરાવીને લઈ જતો હતો. બુધવારે બપોરે નાવેદ હોટલ પરથી બિરયાની પાર્સલ કરાવીને લઈ ગયો હતો. બાદમાં સાંજે 4:30 વાગ્યે નાવેદ અને તેનો મિત્ર રોકી અને સમસાદ ત્રણેય જણાં પરત હોટલે આવ્યાં હતાં.

નાવેદએ તું મુજે બિરયાનીમે બોટી ક્યું કમ દેતા હૈ તેમ કહીને અપશબ્દો બોલી દીપક ગૌડ સાથે ઝઘડો કર્યો હતો. તે જ સમયે ત્યાં હાજર બીજા કર્મચારી રીઝવાન આલમે ઝઘડો વધે નહીં તે માટે નાવેદને વધુ બોટી આપવાનું કહ્યું હતું. જો કે નાવેદના મિત્ર રોકીએ રીઝવાનને લાફો મારી તેની પાસે રહેલા ચાકુ વડે છાતી અને હાથના અંગુઠામાં ઘા માર્યા હતાં. દીપક અને અંઝર તેમના સાથી રીઝવાનને બચાવવા વચ્ચે પડતા બન્નેને નાવેદ અને સમસાદએ પકડી લીધા હતાં. રોકીએ દીપકની છાતી, બગલ, પીઠ અને કમરના ભાગે જ્યારે અંઝરને જમણા થાપા પર ચાકુના ઘા ઝીંકી દીધા હતાં.

આ દરમિયાન સ્થાનિક લોકો અને હોટલ માલિક ત્યાં આવી જતા નાવેદ અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતાં. ઇજાગ્રસ્ત દીપક અને તેના સાથી કર્મચારીઓને સારવાર માટે એલ.જી હોસ્પિટલ લઈ જવાયા હતાં. બાદમાં અમરાઈવાડી પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ દીપક ગૌડની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(4:38 pm IST)