Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ગાંધીનગરના રખિયાલ પોલીસે સામેત્રી નજીક વોચ ગોઠવી બાઇકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા દોડધામ કરાઈ રહી છે ત્યારે રખિયાલ પોલીસે સામેત્રી પાસે વોચ ગોઠવીને બાઈકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતાં અરવલ્લીના યુવાનને ઝડપી પાડયો હતો. તેની પાસેથી વિદેશી દારૂની ૩૯ બોટલ તેમજ બાઈક મળી કુલ ર૪૯૮૫ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ યુવાન દારૂ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે.  

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અને વેચાણ કરતાં આવા તત્ત્વોને પકડવા માટે ખાસ પ્રોહીબીશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા સતત વાહનચેકીંગ પણ કરવામાં આવી રહયું છે. ત્યારે રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક બાઈકમાં સીટ નીચે ચોરખાનું બનાવી તેની અંદર દારૂ ભરી બાઈક દહેગામ રખિયાલ રોડ ઉપરથી પસાર થવાનું છે. જે બાતમીના પગલે સામેત્રી સ્કુલ પાસે નવોદય સ્કુલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળું બાઈક નં.જીજે-૦૧-એનએમ-૧૬૩૨ આવતાં તેને ઉભું રાખ્યું હતું. જેમાં સીટ નીચે તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની ૩૯ બોટલ પોલીસે કબ્જે કરી હતી અને બાઈક ચાલક અર્જુન બેચરભાઈ ગરાસીયા રહે.ભાણભેર, તા.ભિલોડા જિ.અરવલ્લીને ઝડપી લઈ મોબાઈલ, બાઈક અને દારૂ મળી કુલ ર૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પોલીસ દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી છે. 

(5:16 pm IST)