Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદમાં ફાયર એનઓસી, લાઇસન્સ વિના ધમધમતી ૨૧ ફેક્ટરીઓ સીલ કરાઈ

કુલ ૮૧,૩૭૦ ચો.મી.ના ક્ષેત્રફળનો વિસ્તાર સીલ કરાયો

અમદાવાદ,અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના લાંભા, શાહવાડી, નારોલ અને રામોલ-હાથિજણ વોર્ડમાં ગેરકાયદે ધમધમતા કેમિકલ એકમો અને ગોડાઉનો ઉપર સપાટો બોલાવ્યો છે. અમદાવાદ મ્યુનિ.ના દક્ષિણ ઝોન દ્વારા આજે શહેરના નારોલ વિસ્તારના વિવિધ એસ્ટેટમાં કોઇપણ પ્રકારની મંજુરી વિના ધમધમતી ૨૧ ફેક્ટરીઓને સીલ કરી દેવાઇ હતી જેમાં કુલ ૮૧,૩૭૦ ચો.મી.ના ક્ષેત્રફળનો વિસ્તાર સીલ કરાયો હતો જ્યારે બીજી તરફ પૂર્વ ઝોનના એસ્ટેટ ટીડીઓ ખાતા દ્વારા આજે રામોલ-હાથિજણમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ પાંચ ફેક્ટરીઓને સીલ કરી દેવાઇ હતી. આમ, કુલ ૨૬ ફેક્ટરીઓને સીલ કરવામાં આવી હતી.
   તાજેતરમાં શહેર પિરાણા-પીપળજ રોડ પર રેવાકાકા એસ્ટેટની સાહિલ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં ૧૨ નિર્દોષ વ્યક્તિના મોત નીપજ્યા હતા પછી અમદાવાદ મ્યુનિ.ની કોઇપણ પ્રકારની મંજુરી વિના બેફામ ધમધમતી કેમિકલની ફેક્ટરીઓ અને ગોડાઉનો સામે કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદ મ્યુનિ. દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદે ધમધમતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં કોઇપણ પ્રકારના લાયસન્સ કે ફાયર એનઓસી વિના ધમધમતી ૪૫ ફેક્ટરીઓને સીલ કરાઇ છે જ્યારે અન્ય ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ પાંચ ફેક્ટરીઓ સીલ કરાઇ છે. આમ અત્યાર સુધીમાં કુલ ૫૦ ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.એ આજે દરોડાની કામગીરી કરી તે દરમિયાન વિવિધ ફેક્ટરીઓ ફાયર એનઓસી અને જરૂરી લાઇસન્સ વિના ધમધમતી હતી સાથે મોટા પ્રમાણે જોખમી કેમિકલનો જથ્થો પણ સંગ્રહ કરતી હતી જેથી મ્યુનિ.એ તાકીદે આ તમામ ફેક્ટરીઓને સીલ કરી દીધી હતી.

(9:18 pm IST)