Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઈડર પાસે સાપાવાડાના પોસ્ટ માસ્તર દ્વારા હજારોની ઠગાઈ

૨૦૧૬ અને ૨૦૧૭ના કાર્યકાળમાં ઉચાપત કરી હતી : આઠ ખાતેદારોના ખાતામાંથી પૈસા ઊપાડી લઈ અંગત કામમાં વાપરનારાની સામે ઈડર પોલીસમાં ફરિયાદ થઇ

હિંમતનગર, તા. ૧૨ : ઇડર નજીકના સાપાવાડા ગામ ખાતે આવેલ સાપાવાડા બ્રાન્ચ પોસ્ટ ઓફીસના ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટ માસ્તરે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ ના ફરજ કાળ દરમિયાન પોસ્ટ ઓફીસના ખાતેદારોના ખાતામાંથી રૂ.૭૩,૨૦૦ ની કાયમી ઉચાપત કરી આઠ ખાતેદારો સાથે છેતરપિંડી કરતા પોસ્ટ વિભાગના ઇડર સબ ડીવીઝનના ઇન્ચાર્જ સબ ડીવીઝનલ ઇન્સપેકટરે મંગળવારે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરજ મુકત કરાયેલા ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટ માસ્તર વિરૂધ્ધ છેતરપિંડી સાથે ઉચાપતનો મામલો દર્જ કરાવ્યો છે. સાપાવાડા બ્રાન્ચ પોસ્ટ ઓફીસના કર્મચારીએ ખાતેદારોના ખાતામાંથી ઉચાપત કરેલા નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાખ્યાનું પોસ્ટ વિભાગના ધ્યાને આવતા પોસ્ટ વિભાગના ઉચ્ચ સત્તાવાહકોએ ઉચાપત સાથે છેતરપિંડી કરનાર કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. 

છેતરપિંડી સાથે ઉચાપતના મામલે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ઇડર નજીક આવેલ સાપાવાડા ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં વસીમભાઇ રહીમભાઇ મનસુરીને વર્ષ ૨૦૧૧ માં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે નિમણુક અપાઇ હતી અને તેઓ ૨૦૧૧ થી તા.૨૯ ઓગષ્ટ ૨૦૧૭ સુધી સાપાવાડા બ્રાન્ચમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. બ્રાન્ચ પોસ્ટ માસ્તર વસીમભાઇ મનસુરીએ સાપાવાડા બ્રાન્ચ પોસ્ટ ઓફીસના આઠ ખાતેદારોના ખાતાઓમાંથી અલગ અલગ તારીખોએ રૂ.૭૩,૨૦૦ ની સરકારી નાણાંની કાયમી ઉચાપત કરી આ નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. દરમિયાનમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર વસીમભાઇ મનસુરી દ્વારા સાપાવાડાના કેટલાક ખાતેદારો સાથે તેણે છેતરપિંડી કરી તેઓના ખાતામાંથી રૂ.૭૩,૨૦૦ ની રકમ ઉચાપત કરી વાપરી નાખ્યાનું ધ્યાને આવતા તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સાપાવાડા બ્રાન્ચ પોસ્ટ માસ્તરની પુછપરછ કરી નિવેદનો લેતા તેમાં તેણે કેટલાક ખાતેદારોના નાણાં ઉચાપત કરી પોતાના અંગત કામમાં વાપરી નાખ્યાની કબૂલાત કરી હતી.

ત્યારબાદ પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સાપાવાડા બ્રાન્ચ પોસ્ટ ઓફીસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર વસીમભાઇ રહીમભાઇ મનસુરીને ફરજ મુકત કર્યો હતો. જયારે બીજીબાજુ ઇડર પોસ્ટ વિભાગના ઇન્ચાર્જ સબ ડીવીઝનલ ઇન્સપેકટર ઇન્દ્રજીત શામળભાઇ દર્શકે મંગળવારે ઇડર પોલીસ સ્ટેશનમાં સાપાવાડાના બ્રાન્ચ પોસ્ટ માસ્તર વસીમભાઇ રહીમભાઇ મનસુરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સાથે ઉચાપતનો મામલો દર્જ કરી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.

(9:24 pm IST)