Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બનાવટી અને ખોટી માર્કશીટના આધારે વકીલાતની સનદ મેળવવાનું કૌભાંડ:તપાસ C .I.D ક્રાઇમને સોપો

કૌભાંડ રાજય તે જ રાષ્ટ્રવ્યાપી હોવાથી તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા રજુઆત કરાશે: ગુજરાત બાર કાઉન્સીલની બેઠકમાં ઠરાવ

અમદાવાદ : બનાવટી અને ખોટી માર્કશીટના આધારે વકીલાતની સનદ મેળવવાના કૌભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવા માટે ગુજરાત બાર કાઉન્સીલની બેઠકમાં ઠરાવ કરાયો છે આ અંગે રાજયના મુખ્યમંત્રી તથા ગુહ રાજયમંત્રી તેમ જ રાજયના પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાશે  હાલ આ ગુનાની તપાસ સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં છે પરંતુ આ રાજય વ્યાપી તેમ જ રાષ્ટ્ર વ્યાપી કૌભાંડ હોવાથી આ તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માટે રજૂઆત કરવાનું નક્કી કરાયું છે

   ગુજરાત બાર કાઉન્સીલ એ ધારાશાસ્ત્રીઓની માતુસંસ્થા છે. કોઇપણ વિદ્યાર્થી ત્રણ કે પાંચ વર્ષનો અભ્યાસ કર્યા બાદ કાયદાના સ્નાતકે ગુજરાત સહિત દેશમાં વકીલાત તરીકેની પ્રેકટીસ કરવી હોય તો સ્ટેટ બાર કાઉન્સીલમાંથી સનદ મેળવવી ફરજિયાત છે. દરેક અરજદારે આ સનદ મેળવવા માટે બાર કાઉન્સીલનું એનરોલમેન્ટ ફોર્મ ભરી તેની સાથે તમામ સેકન્ડરી, હાયર સેકન્ડરી, તથા ગ્રેજ્યુએશન તેમ જ એલ.એલ.બી.ની માર્કશીટ તથા સર્ટીફીકેટ રજૂ કરવા ફરજિયાત હોય છે. તેમ જ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઇપણ ગુજરાત બહારની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા લો ગ્રેજયુએશનનો અભ્યાસક્રમ કર્યો હોય તેઓનું જે તે યુનિવર્સિટીનું માર્કશીટના ખરાપણા માટે વેરીફીકેશનમાં ફરજિયાત મોકલવાનો નિયમ છે

  બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના હુક્મ મુજબ માર્કશીટનું વેરીફીકેશન કરાવવામાં આવતાં સનદ મેળવવા અરજદાર દ્વારા દેશના રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, તેલંગાણા સહિતની કેટલીક યુનિવર્સિટીની બોગસ માર્કશીટ મેળવી ગુજરાત બાર કાઉન્સીલમાં જમા કરાવવાનો પ્રયાસ કર્યો છે. 2017માં આવા 14 અને 2018માં પણ આવા 14 અરજદારો ખોટી માર્કશીટ દ્વારા વકીલાતની સનદ મેળવવા પ્રયાસ કર્યો હોવાથી તેમની સામે સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં પૂર્વ આયોજીત ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટું જાણતા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવા અંગેની ફરિયાદ કરી હતી

   આ ફરિયાદમાં સોલા પોલીસે માત્ર લાગતા વળગતા સનદ મેળવવા પ્રયત્ન કરનારા અરજદારો વિરુધ્ધ કાર્યવાહી કરી હતી. પરંતુ આ ગુનામાં ઝીણવટભરી તપાસ કરવાની તેમ જ આ કાવત્રામાં કોણ કોણ સંડોવાયેલા છે અને આવા પ્રકારની ખોટી માર્કશીટ, ખોટા દસ્તાવેજો કયાં અને કેવી રીતે તૈયાર થયા છે ઉપરાંત ગુજરાત સહિત દેશમાં કઇ કઇ યુનિવર્સીટી ખાતે આવી ખોટી યુનિવર્સિટીની માર્કશીટ તૈયાર કરવામાં આવે છે, તેવી સંસ્થાઓની પણ ઊંડાણમાં તપાસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઇ છે

   રાષ્ટ્રવિરોધી તત્વો દ્રારા દેશના યુવાધનને વિનાશના માર્ગે લઇ જવા માટે આવા તત્વો મોટા કૌભાંડો કરી રહ્યાં છે. આવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી અગાઉ પણ તત્કાલિન અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશીષ ભાટીયાને પણ આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ મારફતે કરાવવા રજૂઆત કરી હતી. આવા ગુનામાં સંડોવાયેલા સક્રિય ગુનેગારોને પકડવા માટે લેખિત માંગણી પણ કરી હતી

   આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના વાઇસ ચેરમેન શંકરસિંહ એસ. ગોહીલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગત તથા સભ્યો અનિલ કેલ્લાં તથા દિપેન દવેની હાજરીમાં એકઝીકયુટીવ કમિટીની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ગુજરાતમાં આવી ખોટી માર્કશીટો અને દસ્તાવેજોના કૌભાંડ વડોદરા, સુરત ખાતે પણ પકડાયા છે. હજી પણ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આવા પ્રકારની ખોટી માર્કશીટો દ્વારા વકીલાતની સનદ મેળવવાના પ્રયાસો ચાલુ છે તેવા સંજોગોમાં જયારે આ બોગસ માર્કશીટ દસ્તાવેજોનું કૌભાંડ રાજય તેમ જ રાષ્ટ્ર વ્યાપી હોવાની સાથે આંતરરાજય ગુનાખોરી કરતી ટોળકીઓ સંડોવાયેલી હોવાથી આ ગુનાની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવા માટેની માંગણી કરવાનો ઠરાવ કર્યો હતો.

(10:17 pm IST)