Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વનબંધુ જિલ્લા નર્મદાના રાજપીપળામાં : “નોંધારાનો આધાર” પ્રોજેક્ટનો લોગો- વેબ સાઈટ અને વેબ પોર્ટલનું કર્યું લોન્ચિંગ

લોકભાગીદારીથી અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ સીએનજી આધારિત સ્મશાનગૃહ-સખીમંડળ સંચાલિત કેન્ટીનના લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી : મુખ્યમંત્રીશ્રીના હસ્તે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો સહિત સાધન સહાય કિટ્સનું વિતરણ : સરકારની યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે પગભર થવા મુખ્યમંત્રીશ્રીનો લાભાર્થીઓને અનુરોધ

રાજપીપળા : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજપીપલામાં નર્મદા જિલ્લા પ્રશાસનના જનસેવા અભિગમ  “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું.

સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા ઉપયોગ કરી શકે તે રીતે જિલ્લા વહિવટીતંત્ર  દ્વારા આ વેબસાઈટ તથા વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લા વહિવટીતંત્રએ જિલ્લામાં વસતા નિરાધાર, ભિક્ષુકો, આવાસ વિહોણા અતિ દરિદ્રનારાયણોને રહેવા-જમવાની સુવિધાઓ સેવા સંસ્થાઓના સહયોગથી આપવાનો નવતર અભિગમ ‘નોંધારાના આધાર’ પ્રોજેકટથી અપનાવ્યો છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટની વેબ સાઇટના પોર્ટલનું તેમજ લોગોનું લોચીંગ કરીને જનસેવાના આ અભિગમની સરાહના કરી હતી.  

મુખ્યમંત્રીશ્રીએ અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે  લોકભાગીદારીથી તૈયાર થયેલ CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલય અને જિલ્લા સેવા સદન ખાતે સખીમંડળ સંચાલિત કેન્ટીનનું લોકાર્પણ કર્યું હતું.

નર્મદા જિલ્લો ૧૯૯૮માં અલાયદા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર જિલ્લા સેવા સદન ખાતે ૮ લાખ ૭પ હજાર રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા સાથે સખીમંડળ આધારિત કેન્ટીન સુવિધા શરૂ કરવામાં આવી છે. 

જિલ્લા સેવાસદનમાં આવતા નાગરિકો તથા સેવાસદનની કચેરીઓના કર્મયોગીઓને આ નવી કેન્ટીનની સેવાઓનો લાભ મળતો થશે. 

રાજપીપલામાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ પ્રોજેક્ટના બુથની પણ મુલાકાત લઈ પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાતા સર્વે ફોર્મ, ચેકલીસ્ટ, વિવિધ પ્રકારના ૧૬ રજિસ્ટરો, વિવિધ રિપોર્ટ, માર્ગદર્શિકા પુસ્તિકા, ભોજન ડિલીવરી માટેનો ભોજન રથ સહિત સમગ્રતયા પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી કામગીરીની કાર્યપધ્ધતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. કલેક્ટરશ્રી ડી. એ. શાહે મુખ્યમંત્રીશ્રીને આ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી જિલ્લા વહીવટી તંત્રના આ જનકલ્યાણલક્ષી નવતર અભિગમથી માહિતગાર કર્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ નોંધારાનો આધાર સ્ટોલની મુલાકાત પણ લીધી હતી અને આ અભિયાન હેઠળ લાભ મેળવનારા લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ લઇ આર્થિક રીતે સમૃદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. 

 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” હેઠળ ૩ થી ૬ વર્ષના નોંધારા બાળકોને આંગણવાડીમાં અને ૬ થી વધુ વર્ષના નોંધારા બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવાની સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કોવીડ વેક્સીનનો બીજો ડોઝ, ૪૩ જેટલી આવશ્યક ચીજવસ્તુઓ સાથેની કિટ્સ, “નોંધારાનો આધાર”ના લોગોવાળા વુલન સ્વેટર - ટોપી, પોષણ આહાર કિટ્સ, આવક-જાતિનો દાખલો, રેશનકાર્ડ, જનધન ખાતા અન્વયે બેન્ક પાસબુક, રૂપે કાર્ડ, વિધવા પેન્શન મંજૂરી હુકમ, વૃધ્ધ સહાય મંજૂરી હુકમ, દિવ્યાંગ લાભાર્થીને બસપાસ તથા રોજગારી કિટ મંજૂરી હુકમ, આયુષ્યમાન કાર્ડ, સ્વરોજગારલક્ષી કિટ્સ (સિલાઇ મશીન) તથા આવાસ યોજનાના બીજા હપ્તાના મંજૂરી હુકમો સહિત વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.

શ્રી ભુપેન્દ્ર પટેલે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અમલીકરણ અધિકારીઓ, દાતાઓ તેમજ લાભાર્થીઓના વિભાગની મુલાકાત લઈ નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી કરનાર એનજીઓના સ્વયંસેવકો, પક્ષ કાર્યકરો, દાતાઓ અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારી - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા અને તેમની સેવા ભાવનાને બિરદાવી હતી. 

આ વેળાએ જિલ્લા પ્રભારી અને માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી, સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ શ્રી રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યૂષાબેન વસાવા, પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવ શ્રી હર્ષદભાઇ વસાવા, ભરૂચ ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલ, અગ્રણી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, મોતીભાઈ વસાવા, રમેશભાઈ વસાવા, પારૂલબેન તડવી સહિત આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(6:21 pm IST)