Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રસી ન લીધેલ હોય તો સરકારી કચેરીઓમાં પ્રવેશ નહિ : સરકારની વિચારણા

ગુજરાતમાં કોરોનાના કેસ દિવાળી પછી બમણા થઇ જતા સરકાર ચિંતિત : કડક નિયંત્રણો તોળાય છે : રાજ્યમાં કોરોનાના નવા દર્દીઓમાં ૭૦ ટકા ટ્રાવેલ હિસ્ટ્રીવાળા : બાકી રસીકરણ પુરૂ કરવા પર ભાર

રાજકોટ તા. ૧૨ : રાજ્યમાં દિવાળી પછી કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઇ જતા સરકારની ચિંતા વધી છે. તહેવારોની ભારે ભીડ અને બહારના રાજ્યો તથા રાષ્ટ્રોના પ્રવાસના કારણે કોરોનાના કેસ વધ્યાનું બહાર આવ્યું છે. સરકારે બાકી રસીકરણ પર ભાર મૂકયો છે. હવે રસીકરણ વગરના લોકોને પાટનગરના સચિવાલય અને રાજ્યમાં અન્યત્ર રાજ્ય સરકારની કચેરીઓમાં પ્રવેશબંધી ફરમાવવાનું વિચારાઇ રહ્યાનું જાણવા મળે છે. કેસ નોંધપાત્ર પ્રમાણમાં વધતા રહે તો નિયંત્રણો કડક બનાવાશે.

તા. ૪ નવેમ્બરે દિવાળીના દિવસે ગુજરાતમાં કોરોનાના નવા ૨૪ કેસ નોંધાયેલ તે દિવસે એકટીવ કેસની સંખ્યા ૨૧૬ હતી. ગઇકાલે નવા ૪૦ કેસ સામે આવ્યા છે. હાલ એકટીવ કેસની સંખ્યા ૨૩૪ છે. લાંબાસમય સુધી નવા કેસનો આંકડો ૧૦ થી ૨૫ વચ્ચે રહ્યા બાદ હવે ૪૦ને પાર કરી જતા સરકાર સજાગ થઇ ગઇ છે. ટેસ્ટીંગ વધારવામાં આવ્યા છે.

સરકાર હવે સરકારી કચેરીઓમાં અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે ફરજિયાત રસીકરણ વિચારી રહી છે. રસીનો ડોઝ લેનાર વ્યકિતને જ સચિવાલય અને સરકારી કચેરીઓમાં પ્રવેશની છુટ આપવાનું વિચારાઇ રહ્યાનું જાણવા મળે છે. રસીનો એક ડોઝ લીધા પછી બીજો ડોઝ લેવાનો સમય નહી થયો હોય તો સીંગલ ડોઝવાળા પણ પ્રવેશપાત્ર બનશે. કોરોનાના નવા દર્દીઓમાંથી ૭૦ ટકા ટ્રાવેલ હિસ્ટ્રીવાળા હોવાનું માલુમ પડતા સરકારે તે તરફ તપાસ અને સારવાર માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રસીનો એક અથવા બંને ડોઝ બાકી હોય તેને રસીકરણ કરાવવા ઝુંબેશ ચાલી રહી છે. કોરોના સામે ઝઝુમતા રસી મજબૂત હથીયાર છે.

અત્રે ઉલ્લખેનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં રસીના કુલ ૭,૩૩,૩૧,૫૫૨ ડોઝ અપાઇ ચૂકયા છે. કેન્દ્ર સરકારની સૂચના આવ્યા બાદ ૧૮ વર્ષથી નીચેની વયના લોકોને રસી આપવાનું શરૂ થશે.

(11:12 am IST)