Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

એટ્રોસીટીના કેસોનો તાત્કાલીક નિકાલ કરવા હાઈકોર્ટને પત્ર

અદાલતોમાં એટ્રોસીટી કેસોની સુનાવણી અગ્રક્રમે લેવાતી નથીઃ અન્ય કેસોને પ્રાથમિકતા અપાઈ છેઃ સુઓમોટો કાર્યવાહી કરવા પત્રમાં રજૂઆત

અમદાવાદ, તા. ૧૨ :. રાજ્યની ખાસ એટ્રોસીટી અદાલતોમાં એટ્રોસીટીને લગતા કેસો નહિ ચાલતા હોવાની અને દાખલ કરાયેલા કેસોની યોગ્ય ક્રમે સુનાવણી નહિ થતી હોવાના મુદ્દે દલિત કાર્યકર્તાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને સુઓમોટો પિટીશન લેવા માટે અરજ કરી છે. કાર્યકર્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એટ્રોસીટી અદાલતો માત્ર નામની જ છે અને તેમા એટ્રોસીટીના કેસોના બદલે બીજા કેસોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

દલિત અધિકાર માટે લડત આપતા કાર્યકર્તા વાલજીભાઈ પટેલે પત્ર લખીને જણાવ્યુ હતુ કે ગુજરાતના જે ૧૬ જિલ્લાઓમાં એટ્રોસીટીના કેસ ચલાવવા માટે નોટીફીકેશન દ્વારા ખાસ અદાલતની સ્થાપનાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં ૬૧૬ કેસ, સુરત કોર્ટમાં ૫૮૦ કેસ, બનાસકાંઠામાં ૨૭૮ કેસ, વડોદરામાં ૨૬૧ કેસ, ભાવનગરમાં ૨૩૭ કેસ, અમદાવાદ રૂરલ કોર્ટમાં ૨૨૪ કેસ, રાજકોટમાં ૨૦૧ કેસ, જામનગર ૧૮૨ કેસ, આણંદ ૧૫૪ કેસ, કચ્છ-ભૂજ ૧૩૫ કેસ, ગાંધીનગર ૧૩૪ કેસ, સુરેન્દ્રનગર ૧૨૪ કેસ, મહેસાણા ૧૨૯ કેસ, પાટણ ૧૨૯ કેસ અને જૂનાગઢમાં ૧૧૧ કેસ દાખલ થયેલા છે.

આમ જાહેર થયેલી બધી જ સોળ ખાસ અદાલતોમાં ૧૦૦ કરતા પણ વધારે કેસ હોવા છતા એક પણ જિલ્લામાં હકીકતમાં એકસકલુઝીવ સ્પેશિયલ કોર્ટ અસ્તિત્વ ધરાવતી નથી. આ ખુલ્લો અન્યાય છે. એટલુ જ નહિ, આ જાહેર થયેલી બધી જ કહેવાતી અદાલતોમાં જનરલ કેસ અગ્રતાના ધોરણે સૌથી પહેલા ચલાવે છે અને એટ્રોસીટીના કેસ ખૂબ જ ઓછી સંખ્યામાં અને છેલ્લા રાખી ચલાવે છે.

આથી અનુસૂચિત જાતિ -જન જાતિ (અત્યાચાર શનવારણ) અધિનિયમ-૨૦૧૬ની કલમ-૧૪ની જોગવાઈ હેઠળ માત્ર એટ્રોસીટીના કેસો ચાલે તેવી ખાસ અદાલતો સ્થાપવી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા નોટીફીકેશન કરીને સ્થાપના કરેલ સોળ અદાલતના ખર્ચ પેટે અનુસૂચિત જાતિના વિકાસ ફંડમાંથી ખર્ચ કરાયેલા નાણા પરત કરવા જોઈએ અને તે અનુસૂચિત જાતિના લોકો માટેની યોજનાના બજેટમાં જમા કરાવવા જોઈએ. આવા કેસોનો નિકાલ કાયદા મુજબ બે મહિનામાં કરવો જોઈએ.

(11:26 am IST)