Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

શ્રી કૃષ્ણના જન્મ સમયે રાતે કમળનું ખીલવુ, નિર્ધુમ યજ્ઞ કુંડો અને વરસાદી વાતાવરણમાં પણ યમુનાના જળ નિર્મળ એ ચમત્કારિક ઘટના છે. ----માધવપ્રિયદાસજી સ્વામી

મુંબઇવાસી અ.નિ.યોગેશભાઇ ગાંધીની સ્મૃતિમાં મેમનગર ગુરુકુલમાં ચાલી રહેલ ભાગવત સપ્તાહ પારાયણ પ્રસંગે ઉજવાયેલ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણજન્મોત્સવ

અમદાવાદ તા.૧૨ મુંબઇવાસી ગાંધી પરિવારના મોભી અ.નિ.યોગેશભાઇ ગાંધીની પવિત્ર સ્મૃતિમાં મેમમગર ગુરુકુલ ખાતે, શા.માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ તા. ૭ નવેમ્બરથી શરુ થયેલ છે. પૂર્ણાહુતિ તા.૧૩ નવેમ્બર ના રોજ થશે.

કથાના તૃતીય દિવસે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ રામચંદ્રજી ભગવાનના ચન્દ્રવંશનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ રામજન્મોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

રાતના સમયે ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો હતો. જન્મોત્સવ પહેલા સ્વામીજીએ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગનું વર્ણન કરતા સ્વામીજીએ જણાવેલ કે,

ભગવાન શ્રી કૃષ્ણના જન્મસમયે રાતે કમળનું ખીલવું, નિર્ધુમ યજ્ઞકુંડો અને વરસાદી વાતાવરણમાં પણ યમુનાના નિર્મળ જળ એ ચમત્કારિક ઘટના છે.

 કૃષ્ણભગવાનના જન્મ સમયે વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઇ હતી. ચારેબાજુ પક્ષીઓ ટહુકી રહ્યા હતા, તો ક્યાંક ભ્રમરાઓ હર્ષનાદ કરી રહ્યા હતા.

 તે સમયે પરમ પવિત્ર અને શીતળ મંદસુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણોના અગ્નિ ક્યારેય શાંત થતો ન હતો. દરેકના મન એકાએક પ્રસન્નતાથી ભરાઇ ગયા હતા. સ્વર્ગના દેવતાઓના વાજિન્ત્રો આપમેળે વાગી રહ્યા હતા. કિન્નરો અને ગાંધર્વો મધુર સ્વરમાં ગાઇ રહ્યા હતા. દેવતાઓ અને ઋષિમુનિઓ આનંદિત થઇ પુષ્પવૃષ્ટિ કરતા હતા

તેજ વખતે સર્વના હ્રદયમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ, દેવરુપિણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા. જાણે પૂર્વ દિશામાં સાળે કળાથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થયો.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતા જ ચારે બાજુ ‘નંદ ઘરે આનંદ ભયો’ ના ગાન શરુ થયા.   તરત જ નંદબાબા પોતાના વહાલસોયા બાળકૃષ્ણને ટોપલામાં પધરાવી આવતા, ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને સંતોએ ‘નંદ ઘરે આનંદ ભયો’ ના ગાન સાથે રાસની રમઝટ બોલાવી હતી.

કૃષ્ણજન્મોત્સવ પ્રસંગે મહા આરતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈ ગાંધી પરિવારના જીતુભાઇ ગાંધી, અજયભાઇ દેશાઇ, નરેશભાઇ દેશાઇ, નીતિનભાઇ પરીખ, બીપીનભાઇ  પરીખ, રાજેશભાઇ જસાણી, નરેન્દ્રભાઇ શાહ, હર્ષભાઇ ગાંધી અને પાર્થભાઇ ગાંધી તેમજ સેવાભાવી ભૂપેન્દ્રભાઇ મહેતા  વગેરે જોડાયા  હતા.

 પ્રાગટ્યોત્સવ પહેલા દર્શનપ્રિયદાસજી સ્વામી, હસમુખ પાટડીયા, ધનશ્યામ ભગત, ગોલાદરા કૌશિકભાઇ વગેરેએ ભકિતસંગીતનો રંગારંગ કાર્યક્રમ કર્યો હતો.

(12:30 pm IST)