Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સુરતમાં પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ પકડી : ભાવનગરના વ્યકિતની ધરપકડ

રાજયમાં મોટાપાયે ડ્રગ્સ પકડાયા બાદ : આરોપી જૈમીને સરથાણામાં જ એક એપાર્ટમેન્ટમાં ડ્રગ્સ પ્રોસેસિંગ માટેના વિવિધ સાધનો વસાવી આખી લેબ ઉભી કરી હતી

સુરત તા. ૧૨ : રાજયના ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવીએ થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક નિવેદન આપ્યું હતું કે રાજયમાં ડ્રગ્સની હેરાફેરી અંગે રાજય સરકાર અને ગુજરાત પોલીસ બંને ગંભીર છે. ત્યારથી લઈને રાજયમાં ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ પર સંકજો કસ્યો છે. વાત કરીએ સુરતની તો સુરતના રાંદેરમાં બે મહિના પહેલાના ડ્રગ્સની હેરાફેરીના કેસના ભાગતા ફરતા મુખ્ય આરોપીને પકડી પાડ્યા બાદ સુરત પોલીસે ડ્રગ્સ કેસમાં વધુ અકે મોટી સફળતા મળી છે. આ અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી છે.

સુરત શહેરમાંથી પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી એક લેબ પકડી પાડી છે, અને આ લેબ ઉભી કરનાર અને તેમાં ડ્રગ્સનું પ્રોસેસિંગ કરનાર ભાવનગરના ઉમરાળાના વતની અને સરથાણાના રહેવાસી એક શખ્સની પોલીએ ધરપકડ કરી છે. સરથાણામાં રહેતા આ શખ્સનું નામ જૈમીન છગનભાઈ સવાણી છે, જે ડ્રગ્સનું પ્રોસેસિંગ કરી સ્થાનિક લેવલે વેચાણ કરતો હતો.

સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી જેમાં મોટા અને મહત્વના ખુલાસા થયા છે. આરોપીએ સરથાણામાં જ એક એપાર્ટમેન્ટમાં ડ્રગ્સ પ્રોસેસિંગ માટેના વિવિધ સાધનો વસાવી આખી લેબ ઉભી કરી હતી અને રાજસ્થાનની કાચું ડ્રગ્સ મંગાવી, તેને લેબમાં પ્રોસેસ કરી સ્થાનિક લેવલે વેચતો હતો. આરોપી પોતે પણ ડ્રગ્સનું સેવન કરતો હોવાની માહિતી મળી છે. આ સમગ્ર મામલે આગામી સમયમાં કોઈ મોટું રેકેટ પકડાવાની શકયતા રહેલી છે.

(3:22 pm IST)