Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નશાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતમાં રાજસ્થાનથી ડ્રગ્સ મગાવનાર વોન્ટેડ જૈમીન સવાણી ઝડપાયોઃ ડ્રગ્સ બનાવવા લેબોરેટરી સેટ કરી હતી

શોપિંગ કોમ્પલેકસમાં દુકાન રાખીને ડ્રગ્સ બનાવવાનું સેટઅપ ઉભું કરેલું

 અમદાવાદઃ તા.૧૨, 'નો ડ્રગ્સ ઈન સુરત'ના અભિયાન સાથે કામ કરતી સુરત પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરત એસઓજી પોલીસે બે દિવસ અગાઉ ઝડપેલા ૫.૮૫ લાખના એમડી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીને ઝડપી લીધો છે.રાજસ્થાની પેડલર ઝડપાયા બાદ તે જેને ડ્રગ્સ આપવા આવ્યો હતો. તે જૈમીન સવાણી પણ ઝડપાયો છે. પોલીસે જૈમીન સવાણીની સાથે સાથે તેણે ડ્રગ્સ બનાવવા માટે શરૂ કરેલી લેબોરેટરી અને તેના સેટ અપ સહિતનો સામાન ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. શોપિંગ કોમ્પલેકસમાં જૈમીન સવાણીએ લેબોરેટરી ઉભી કરી હતી.

 સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, રાજસ્થાનથી અગાઉ બે વાર ડ્રગ્સ મગાવી નશાની સાથે વેચાણ કરતો જૈમીન સવાણી વધુ નફો મેળવવાની લાલચમાં પોતાની લેબોરેટરી જ ઉભી કરી દીધી હતી. જેમાં ડ્રગ્સ બનાવવા માટેની પ્રક્રિયા તે સોશિયલ મીડિયાથી શીખતો હતો. સાથે જ ઈન્ડિયા માર્ટમાંથી તે ઓનલાઈન જરૂરી પાવડર મગાવીને સિન્થેટિક નાર્કોટિકસ ડ્રગ્સ બનાવવાનું ટ્રાય કરતો હતો. પોલીસે જૈમીન સવાણીને ઝડપી લઈને કોને કોને ડ્રગ્સ આપતો તેની તપાસ આદરી છે.

રત્નકલાકારનો દીકરો ડ્રગ્સના રવાડે ચડ્યો

લોકડાઉનમાં ધંધામાં આર્થિક મંદી ઉપરથી એમડી લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો હતો. જૈમીનના ચરસી મિત્રોએ રાજસ્થાનમાં આશુરામ સાથે તેની ઓળખાણ કરાવી હતી. જૈમીન ઓનલાઇન ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતો હતો જો કે લોકડાઉનમાં મંદીને કારણે ધંધામાં નુકશાન થઈ હતી. જૈમીનના પિતા રત્નકલાકાર છે. જૈમીને ડ્રગ્સ બનાવવા જરૂરી સામાન ઓનલાઈન મગાવ્યો હતો.

કેવી રીતે ડ્રગ્સ પકડાયું

સુરત કડોદરા હાઇવે નિયોલ ચેક પોસ્ટ પાસે વીઆરએલ લોજીસ્ટિક કંપનીના ગોડાઉન પાસે એસઓજીએ ૯મી તારીખે વોચ ગોઠવી ૫.૮૫ લાખના એમડી ડ્રગ્સ સાથે ૨૭ વર્ષીય પ્રવિણ બલવંતારામ વાના (બિસ્નાોઈ) (રહે, દાંતીવાસગામ, રાજસ્થાન) છે. પ્રવિણે એમડી ડ્રગ્સ ઝાલોદના પુનાસા ગામના આશુરામ રાયચંદ્ર ખીલેરી (બિસ્નાોઈ)એ આપ્યો હતો અને તે ડ્રગ્સનો જથ્થો સરથાણા કવિતા રો હાઉસમાં રહેતા જૈમીન છગન સવાણીને સપ્લાય કરવા આવ્યો હતો. આશુરામ અને જૈમીન સવાણી બન્ને ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયા હતાં. જો કે જૈમીનને હવે પોલીસે ઝડપી લીધો છે.

(3:23 pm IST)