Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સુરતમાં રપ થી ર૯ નવેમ્બરે દિક્ષા મહોત્સવ : ૭૪ સામુહિક દીક્ષા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ : દેશની દીક્ષા નગરી ગણાતા ગુજરાતના સુરતમાં થનારા આ ૭૪ સામુહિક દીક્ષા ઉત્સવ માટે હાલ વેસુ બલ્લર હાઉસ ખાતે નિર્મિત અધ્યાત્મ નગરીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં, ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મ ના મહાનાયક ,સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત.જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે થનારી ૭૪ સામૂહિક દીક્ષા મહામહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.  ૪ લાખ સ્કવેર ફીટના વેસુના બલર હાઉસમાં અઘ્યાત્મ નગરીનું નિર્માણ થયું છે. જેમાં ૧.૧૦ લાખ સ્કવેર ફિટમાં દિક્ષાનો મંડપ બનશે. ૫૦,૦૦૦ લોકોની બેસાડીને સાધર્મિકભકિત થઈ શકે તેવી એક સામે બીજી નગરી બનીરહી છે.  છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે ૫૫ જેટલી વિવિધ કમિટી બનાવાઈ છે. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે  ઉતારાની વ્યવસ્થા કરાઈ છે. 

અંતિમ વાયણામાં હજારો લોકો દ્વારા આપવામાં આવેલી સાકરના પાણીથી,દીક્ષાર્થીઓ અંતિમ વાયણા કરશે. ભારતભરમાં પહેલીવાર આ રીતે તમામ લોકોને પણ  દિક્ષાર્થીઓને વાયણું કરાવવાનો લ્હાવો મળશે.  ઉત્સવના છેલ્લા બે દિવસ  ફ્રી બસ સેવાનો લાભ આપવામાં આવશે. દીક્ષા ઉત્સવ દરમિયાન અંતિમ ૨૯ નવેમ્બર ના  રજોહરણપ્રદાન દિવસે કેશલૂંચનના અવસરનો માહોલ જિંદગીમાં ક્યારેય નિહાળ્યો નહિ હોય એવો હશે.આ સાથે અઘ્યાત્મ નગરીમાં ચાર ગતિ બતાવતું અસાર સંસારચક્રની અકલ્પનિય રચનાવલી પણ લોકો પ્રથમવાર નિહાળશે. 

બાલવાટિકામાં બાળકોનું ભરપૂર સંસ્કરણ પણ થશે. અતિભવ્ય કલાકૃતિ થી કંડારેલું કાચનું જિનાલય જોનારનું મન મોહી લેશે.મહાપુરૂષોની દીલધડકાવતી જીવંત શૌર્યગાથાની,  બાલવીર જૈનમ્ની જીવંત દ્રશ્યાવલિ અને કદી ના જોઇ હોય તેવી વરસીદાનયાત્રા અને અનોખા અંદાજમાં દીક્ષાર્થીઓની જીવનગાથા વિદાય સમારંભમાં રજૂ  હશે.જે આ અવસર ચુકી ગયા તે ઘણું બધું ગુમાવ્યાનો અફસોસ કરશે ,તેવો સદીઓને અજવાળતો સંયમધર્મ નો તા ૨૫ થી ર૯ નવેમ્બર નો મહામહોત્સવ સુરત માં ત્યાગધર્મ નો નવો ઇતિહાસ સર્જશે.

(3:25 pm IST)