Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

''ઇફેકટીવ ગવર્નન્સ'' સમિતિમાં જીટીયુના કુલપતિ નવીનભાઇ શેઠની પસંદગી

કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયની NEP મેરીટ સ્કીમની એડવાઇઝરી ગ્રૃપની

ગાંધીનગર, તા. ૧ર : કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા માટે વર્ષ – ૨૦૨૦માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી દેશની આગામી પેઢીનો પુસ્તકીયા જ્ઞાનને બદલે સર્વાંગી વિકાસ થાય તે હેતુસર સ્કૂલ એજ્યુકેશનથી લઈને તેમની ભાષા, ઉચ્ચતર શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ જેવી બાબતોના સૂચારૂ અમલીકરણ થાય તે માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈમ્પ્રૂવમેન્ટ ઈન ટેકનીકલ એજ્યુકેશ (મેરીટ) સ્કિમ શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં જ મેરીટ સ્કીમના એડવાઈઝરી ગ્રુપની ઈફેકટીવ ગવર્નન્સ સમિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠની સભ્યપદે પસંદગી કરાઈ છે. ૭ સભ્યોની સમિતિમાં અધ્યક્ષ સ્થાને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના (જેએનયુ) કુલપતિ પ્રો. એમ. જગદેશકુમારની નિમણૂક કરાઈ છે. અન્ય સભ્યોમાં વીએનઆઈટી નાગપુરના પૂર્વ ડાયરેકટર પ્રો. નિશિકાંન્ત દેશપાંડે , આઈઆઈએમ નાગપુરના ડાયરેકટર પ્રો. ભીમરાયા મેત્રી , આઈઆઈટી રૂડ઼કીના પ્રો. પ્રવિન્દ્રકુમાર, આઈઆઈટી દિલ્હીના પ્રો. નોમેશ બોલિયા., એચબીટીઆઈ કાનપુરના કુલપતિ પ્રો. વિનય પાઠક સમિતિના સભ્યપદે સ્થાન પામ્યા છે. ગુજરાતમાંથી એકમાત્ર જીટીયુના કુલપતિ નવીનભાઇ શેઠ ની સમિતિમાં પસંદગી કરવામાં આવી છે.

નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી માટે વિવિધ સ્તરે ૬ જુદી- જુદી સમિતિની રચના કરવામાં આવેલ છે. દેશમાં ટેકિનકલ શિક્ષણના પ્રચાર –પ્રસાર માટે વર્લ્ડ બેંક દ્વારા ૪૪૦૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવેલી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને મેરીટ સ્કીમ અંતર્ગત પણ અનેક પ્રકારના કાર્યો કરવામાં આવશે. જેમાં ટેકનીકલ શિક્ષણની ગુણવત્તા સુધારવી, નેક એક્રિડેશન સંબધીત માન્યતા મેળવવા માટે શૈક્ષણિક સંસ્થાઓના વિકાસલક્ષી સહાય વગેરે બાબતે આગામી દિવસોમાં આ સમિતિ દ્વારા દરેક સ્તરે સકારાત્મક પગલાં લેવામાં આવશે.

(4:06 pm IST)