Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બાળકને દત્તક લીધુ હતુ પરંતુ હૃદયની બિમારી હોવાથી પાછુ મુકી ગયાઃ નડિયાદના માતૃછાયા સંસ્‍થાના દરવાજે મળેલા બાળક પ્રકરણમાં ખુલાસો

ત્‍યજી દેવાયેલ બાળકની તપાસ કરતા પોલીસને મોટી વિગતો મળી

ખેડા: ખેડાના નડિયાદમાં બાળક ત્યજી દેવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. બાળક ત્યજી દેવાના મામલે પોલીસ દ્વારા એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પોલીસે પૂછપરછ હાથ ધરતા આ અંગે મહિલાએ મોટો ખુલસો કર્યો હતો. ત્યારે પૂછપરછમાં બાળકને હૃદયની બીમારી હોવાના કારણે દત્તક લીધા બાદ મહિલાએ બાળકને તરછોડ્યું હોવાની વિગત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં અનાથ બાળકોની સારસંભાળ અને ઉછેરનું કામ કરતી સંસ્થા માતૃછાયા સંસ્થાના દરવાજા બહાર પારણામાં કોઈ અજાણ્યા શખ્સે ગત 11 નવેમ્બરના મોડી રાત્રે નવજાત બાળક મૂકી ગયું હતું. ત્યારબાદ માતૃછાયા સંસ્થાના ચોકીદારને બાળકના રડવાનો અવાજ સંભળાતા ચોકીદારે માતૃછાયા સંસ્થાના સંચાલકોને જાણ કરી હતી. જે બાદ માતૃછાયા સંસ્થાના સંચાલકોએ ખેડા પોલીસને જાણ કરી હતી. ખેડા પોલીસે બાળક તરછોડી જનાર શખ્સ સામે ગુહનો નોંધી બાળકને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયું હતું.

જો કે, આ મામલે ખેડા પોલીસ તપાસ હાથ ધરતા ખેડા જિલ્લા પોલીસને મહત્વની કડી મળી હતી. ખેડા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 2 પુરૂષ અને 1 મહિલા આરોપી મોડી રાત્રે કારમાં આવી બાળકને અનાથ આશ્રમના પારણામાં મૂકી ફરાર થઈ ગયા હતા. જેના આધારે ખેડા પોલીસે બોડેલીના 2 પુરુષ અને વડોદરાની 1 મહિલા અટકાયત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે વડોદરાની મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલા અને બાળક વચ્ચે શું સબંધ છે અને આ મામલે મહિલાની શું ભૂમિકા રહી તે દિશા પોલીસ પૂછપરછ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન મહિલાએ મોટો ખુલાસો કરતા સમગ્ર હકિકત જણાવી હતી. જો કે, પોલીસ પૂછપરછમાં મૂળ વડોદરાની મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે બાળકને દત્તક લીધું હતું. પરંતુ તેને હૃદયની બીમારી હતી. જેના કારણે મહિલાએ અન્ય બે સાથીઓ સાથે મળીને બાળકને અનાથ આશ્રમની બહાર મુકી દીધું હતું. જો કે, આ પહેલા તેણે બાળકને વડોદરાની હોસ્પિટલમાં દાખલ પણ કર્યું હતું. આ મામલે પોલીસ વધુ બે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(5:24 pm IST)