Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બરોડા મ્યુઝિયમની ટિકિટ 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દેવાતા લોકોમાં રોષની લાગણી

ટિકિટના ભાવ વધ્યા હોવા છતાં ત્રણ દિવસમાં 2800 લોકોએ મુલાકાત લીધી છે, તેમજ 2.80 લાખની આવક પણ થઈ

બરોડા મ્યુઝિયમ કે જયાં મહારાજાના ઐતિહાસિક વારસાના દર્શન થાય છે, જેની પ્રવેશ ફી 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દેતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

મોટા ભાગના પર્યટકો ફીમાં ઘટાડો કરવા માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે શહેરમાં 1932માં બનાવેલા આ મ્યુઝિયમમાં ગાયકવાડ સ્ટેટના સમયની અનેક દુર્લભ ચિજ-વસ્તુઓ નિહાળવા માટે લોકો બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવતા હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગની દેખરેખ હેઠળ વડોદરાના સયાજીબાગમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી આવેલી છે, જે પુરાતત્વ વિભાગના નેજા હેઠળ મ્યુઝિયમની દેખરેખ સાચવવાની કામગીરી સોંપવામાં આવી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બરોડા સ્ટેટના ઐતિહાસિક વારસાના સંસ્મરણો આવનાર પેઢી જોઈ શકે એ માટે સયાજી બાગ ખાતે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી 1932 માં ઉભી કરાઈ હતી. જ્યા 3000 વર્ષ જૂની ઇજિપ્તની મમ્મીનું બોડી, 1944માં પાદરાના ડબકા ખાતે મહીસાગર નદીમાંથી પકડાયેલ 71 ફૂટ લાંબી બ્લુ વહેલ, સયાજીરાવ ગાયકવાડના જમાનાની ઐતિહાસિક ચીજ વસ્તુઓ, ગુજરાત, દેશ વિદેશની ઐતિહાસિક ચીજ વસ્તુઓ, તૈલી ચિત્રો, લઘુ ચિત્રો, સિક્કાઓ, ઇસ્લામિક, જાપાની,, ચીન, ગ્રીક કળાના દર્શન અહીંયા જોવા પર્યટકો આવી રહ્યા છે, જોકે એકા એક રાજ્ય સરકાર દ્વારા મ્યુઝિયમ જોવા આવતા પર્યટકોની પ્રવેશ ફી ની ટીકીટ 10 રૂપિયા થી વધારી 100 રૂપિયા કરી દેતા પર્યટકોમાં નારાજગી જોવા મળી છે. તેમજ કેટલાક પર્યટકો મ્યુઝિયમ જોયા વગર જ પરત ફરી રહ્યા છે.

આ અંગે મ્યુઝીયમના ક્યુરેટરએ કહ્યું કે ટિકિટના ભાવ વધ્યા હોવા છતાં ત્રણ દિવસમાં 2800 લોકોએ મુલાકાત લીધી છે, તેમજ 2.80 લાખની આવક પણ થઈ. તેમ છતાં ભાવ ઘટાડવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરાશે

(9:39 pm IST)