Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

નર્મદા જિલ્લાના 350 જેવા આરોગ્ય કર્મચારીઓ ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળની સૂચના મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

પડતર માંગણીઓને લઈ કોરોના વોરિયર્સની હડતાળ: માંગ નહીં સંતોષાય તો વેક્સીનેશનનો વિરોધ કરશે આ તમામ કોરોના વોરિયર્સ: બે વાર ધરણાં અને વિરોધ હડતાળ કરી સરકારે માંગણી બાબતે લેખિત બાંહેધરી આપી પણ આજદિન સુધી અમલ નહીં થતા લડાયક મુડમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વોરિયર્સ તરીકે આખો દેશ જેમને માન આપે છે તેવા પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એટલેકે આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓ સાથે ફરી અચોક્કસ મુદત ની હડતાળ ઉપર ઉતર્યા છે આજે સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ સાથે નર્મદા જિલ્લાના 350 જેવા આરોગ્યના કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ ની સૂચના મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.
       આજે વિવિધ આરોગ્ય કર્મચારી મંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરી છે અને નર્મદા જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય આરોગ્ય અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું.
       આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય મહાસંઘના પ્રમુખ મિતેષ ભટ્ટ એ જણાવ્યું હતું કે સરકારે અગાઉ આરોગ્ય કર્મીઓની માંગણીઓ બાબતે લેખિત બાહેધરી આપી હતી પરંતુ આજદિન સુધી માંગણીઓ પુરી થઈ નથી સરકારે લોલીપોપ આપી છે ઉપરાંત કોરોના વોરિયર્સ તરીકે આરોગ્ય કર્મીઓ જીવના જોખમે તેમજ પરિવાર થી વેગડા રહી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે.માટે સરકાર કર્મચારીઓના 2800 રૂપિયા ગ્રેડપે કરે તેમજ ફારમાસિસ્ટ અને લેબ. ટેક્નિશિયનોનો તેમની મંગણી મુજબ ગ્રેડપે આપે આગામી 16 તારીખથી જ્યારે દેશમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે કોરોના વોરિયર્સ તેનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન પણ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

(12:01 am IST)