Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કલોલ તાલુકા પોલીસે વડા નજીક બિનવારસી કારમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે વડા પાસેથી બિનવારસી કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૃ ઝડપી પાડયો હતો તો શહેર પોલીસે પણ છત્રાલ તરફથી આવતી કારમાંથી ૯૦૦ લીટર દેશી દારૃ સાથે એક શખ્સને ઝડપી ર.ર૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજયમાં દારૃબંધી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૃની હાટડીઓ ચાલી રહી છે. દારૃની ભઠ્ઠીઓ ઉપરથી શહેરમાં પણ દેશી દારૃનો જથ્થો પહોંચાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની દારૃની હેરાફેરી અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વેડા ત્રણ રસ્તા પાસે એક બિનવારસી કાર પડી છે. પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં કારમાંથી ૪૦૦ લીટર ઉપરાંતનો દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. કાર અને દારૃ મળી પોલીસે કુલ ૮૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાર નંબરના આધારે બુટલેગરની શોધખોળ શરૃ કરી હતી. તો કલોલ શહેર પોલીસે પણ બાતમીના આધારે છત્રાલ તરફથી આવતી કારને ઝડપી લઈ તેમાંથી ૯૦૦ લીટર દેશી દારૃનો જથ્થો જપ્ત કરી કારચાલક અમદાવાદના છારાનગરમાં રહેતાં રૃપેશ નરેશભાઈ નટને ઝડપી પાડયો હતો. કાર દારૃ અને મોબાઈલ મળી ર.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૃનો જથ્થો અમદાવાદ કેશવનગર મદ્રાસીના છાપરામાં રહેતા ભુપેન્દ્રસિંહ ભાટીએ મંડાલી પાસેથી દારૃ ભરેલી કાર આપી હોવાનું બહાર આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે.

(5:36 pm IST)