Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમદાવાદ હાટ ખાતે ગાંધી શિલ્પ બજાર હસ્તકલા મેળો ૧૭ જાન્યુઆરી સુધી ખુલ્લુ રહેશે

આત્મનિર્ભર ભારત અને 'વોકલ ફોર લોકલ' ને સાર્થક કરીને સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભારતના ઇતિહાસમાં હસ્તકળા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણાય છે.  ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો રોજીરોટી માટે ઘરે બેઠા હસ્તકલા અને હાથશાળની વસ્તુઓનુ સર્જન કરીને રોજગારી સાથે આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાને પણ જીવંત રાખી રહ્યા છે. જે આપણા દેશનો સમૃદ્ધ વારસો છે. ભારતની કલા આજે પણ દેશ – વિદેશમાં પ્રખ્યાત છે.    
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સંદેશ 'વોકલ ફોર લોકલ' ને આત્મસાત કરીને લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળે તે હેતુથી ભારતનાં લોકો દ્રારા જ નિર્મિત, ભારતના લોકો માટે જ બનેલી ચીજવસ્તુઓ લોકો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે વસાવે એ  મુખ્ય ઉદ્દેશ છે.
અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અને ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમિટેડના સંયોજનથી ‘ ગાંધી શિલ્પ બજાર ‘’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ૪૦ અને  અન્ય રાજ્યો જેવા કે રાજ્સ્થાનના જયપુર. ઉદયપુર, મુંબઈ, રાંચી- ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઉજ્જૈન. ઈન્દોર-મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના ફેમશ તાન્જોર પેઇન્ટિંગના કારીગરો અને દિલ્હીના હસ્તકલાના સર્જકો તેમની કલા કારીગરીની ઉતમ વસ્તુઓ લઇને અહી આવ્યા છે. હસ્તકલા મેળાનું પ્રદર્શન અને વેચાણ કોવિડના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ હાથશાળ, હસ્તકલા અને ગ્રામઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
આ મેળામાં હાથશાળની બનાવટ, હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુ , ચર્મ કામ, મોતીકામ, ભરતકામ તથા ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તા ૧૭ જાન્યુઆરી સુધી ચાલનાર મેળો સવારે ૧૧:૩૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી વિનામૂલ્યે નિહાળી શકાશે. (માહિતી - મનીષા પ્રધાન)

(5:55 pm IST)