Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજ્યના ૩.૩૭ કરોડ અંત્યોદય લોકોને ઉત્તરાયણ પર્વની સંવેદનાસ્પર્શી ભેટ.....

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય : ૬૯.૪ર લાખ NFSA કાર્ડ ધારકોને પરિવાર દીઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે અપાશે :ફેબ્રુઆરી માસના અનાજ વિતરણ સાથે મળશે લાભ :તુવેર-ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનો પણ રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૬૯.૪ર લાખ જેટલા NFSA અંત્યોદય પરિવારોના ૩.૩૭ કરોડ નાગરિકોને મકરસંક્રાંતિ-ઉત્તરાયણ અવસરે એક મહત્વપૂર્ણ ભેટ આપી છે.
મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં એવો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે કે, રાજ્યના ૮.૧૧ લાખ અંત્યોદય કાર્ડધારક પરિવારો તેમજ ૬૧.૩૧ લાખ જેટલા અગ્રતા ધરાવતા રેશન કાર્ડધારક પરિવારોના મળી સમગ્રતયા ૩.૩૭ કરોડ લોકોને પરિવાર દીઠ એક કિલો ચણા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે
આ વિનામૂલ્યે ચણાનું આવા લાભાર્થી પરિવારોને ફેબ્રુઆરી માસના તેમના નિયમીત મળતા અનાજ સાથે વિતરણ કરાશે.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણના કાળમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે અત્યાર સુધીમાં રાજ્યના પ.૩૦ કરોડ લોકોને ૧ર.પ૦ લાખ મે.ટન અનાજ વિનામૂલ્યે વિતરણ કરાવેલું છે.
એટલું જ નહિ, મુખ્યમંત્રીએ શહેરો-ગામોમાં રિક્ષા-છકડો, નાના ટેમ્પા જેવા થ્રી વ્હીલર વાહનો ચલાવી રોજી-રોટી રળતા નાના વર્ગોને પણ કોરોના કાળ દરમ્યાન NFSAનો લાભ આપવાની સંવેદના દર્શાવી છે.
  વિજયભાઇ રૂપાણીએ હવે, ઉત્તરાયણ-મકરસંક્રાંતિના તહેવારોમાં પણ અંત્યોદય NFSA પરિવારોની પડખે ઊભા રહેવાની ગરીબ કલ્યાણલક્ષી પ્રતિબદ્ધતા સાથે આવા ૩.૩૭ કરોડ લોકોને પરિવાર દીઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે આપવાની સંવેદના દર્શાવી છે.
  મુખ્યમંત્રીએ રાજ્યના ધરતીપુત્રો-કિસાનોને તેમની ખેતપેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે તુવેર, ચણા, રાયડો જેવા ઉત્પાદનો પણ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં કર્યો છે.
અન્ન-નાગરિક પુરવઠા મંત્રી  જયેશભાઇ રાદડીયાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય તેમજ અંત્યોદય પરિવારોને વિનામૂલ્યે ૧ કિલો ચણા વિતરણ કરવાના નિર્ણયની વિગતો આપી હતી.
મંત્રી  રાદડીયાએ આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં ૧૦૫ ખરીદ કેન્દ્રો પરથી રૂ. ૬ હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવે તુવેરની ખરીદી સરકાર કરશે. આ ખરીદી માટેની નોંધણી ખેડૂતો VCE, APMC મારફત તા.૧પ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી દરમ્યાન કરાવી શકશે.  
આ તુવેરની ખરીદી નક્કી કરેલા APMC કેન્દ્રો પરથી આગામી તા.૧ ફેબ્રુઆરી ર૦ર૧થી ૯૦ દિવસ એટલે કે ૧ મે-ર૦ર૧ સુધી કરવામાં આવશે.
અન્ન-નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ ચણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગેના કેબિનેટ નિર્ણયની વિગતોમાં કહ્યું કે ચણા રૂા.૫૧૦૦/-પ્રતિ ક્વિન્ટલ ના ભાવે રાજયના કુલ ૧૮૮ ખરીદ કેન્દ્રો પરથી તેમજ રાયડો રૂા.૪૬૫૦/-પ્રતિ ક્વિન્ટલના ભાવે ૯૯ ખરીદ કેન્દ્રો પરથી ખરીદ કરવાનું નકકી કરવામાં આવેલું છે.
આ માટેની નોંધણી V.C.E./A.P.M.C. મારફત તા.૦૧/૦૨/૨૦૨૧થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમ્યાન કરાશે. ચણા અને રાયડાની ખરીદી તા.૧૬/૦૨/૨૦૨૧થી તા.૧૬/૦૫/૨૦૨૧ સુધી  (૯૦ દિવસ) નક્કી કરેલ એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો પરથી થશે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા રાજયના કુલ-૧,૦૮,૭૭૨ ખેડૂતો પાસેથી રૂા.૧૦૬૦ કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઇ ગઇ છે. આ પૈકી રૂા.૯૨૮ કરોડનું ચૂકવણું ખેડૂતોને કરવામાં આવેલું છે. તેમજ રૂા.૧૨૮ કરોડની ડાંગરની ખરીદી થયેલ છે અને રૂા.૧૦૪ કરોડનું ચૂકવણું ખેડૂતોને કરવામાં આવેલું છે.
આ રકમ સીધી જ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી છે તેમ પણ શ્રી રાદડીયાએ ઉમેર્યુ હતું.

(9:37 pm IST)