Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અમદાવાદના વેજલપુરમાં ૮૦ વર્ષના વૃદ્ધાની હત્યા

અમદાવાદના વેજલપુર ગામનો બનાવ : હત્યા લૂંટના ઇરાદે કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી પોલીસે શંકાસ્પદ ભાડૂઆતને લઈને તપાસ શરૂ કરી છે

અમદાવાદ,તા.૧૨ : અમદાવાદ વેજલપુર ગામમાં ૮૦ વર્ષના વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવી છે. સિનિયર સિટીઝન મહિલા એકલવાયું જીવન ગુજારતા હતા. આ હત્યા લૂંટના ઇરાદે કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી વેજલપુર પોલીસે શંકાસ્પદ ભાડુઆતને લઈને તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝનની હત્યાની ઘટનાને કારણે ફરી સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. વેજલપુર ગામમાં એકલવાયું જીવન જીવતા ૮૦ વર્ષના મેનાબેન ઠાકોરની હત્યા કરાયેલો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો છે. ઘટનાની વાત કરીએ તો બે દિવસથી મેનાબેન ઘરની બહાર દેખાતા ન હતા. જ્યારે ઘરે પણ તાળું લગાવેલું હતું. મેનાબેન ક્યારેય ઘરની બહાર નીકળતા ન હતા. જેથી તેમના ભાડુઆતને શંકા ગઈ અને મેનાબેનના દીકરાને ફોન કરીને જણાવ્યું હતું.

દીકરો લક્ષ્મણ ઠાકોર પોતાની માતાને શોધવા ઘરે આવ્યો તો માતાનો હત્યા કરેલો મૃતદેહ મળ્યો. જ્યારે તેમને પહેરેલા ઘરેણાં પણ ગાયબ હતા. મેનાબેનની હત્યા કરેલો મૃતદેહ મળી આવતા વેજલપુર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મેનાબેન ઠાકોર ૨૦૧૪થી એકલા ઘરે રહેતા હતા. જ્યારે તેમનો મોટો દીકરો લક્ષ્મણ ઠાકોર નિકોલ અને બીજો દીકરો કાસિન્દ્રા રહેતો હતો. તેમની વેજલપુર ગામમાં મિલકત હોવાથી મેનાબેન ગામમાં જ રહેતા હતા અને બધા ઘર ભાડે આપી દીધા હતા.

મેનાબેન ની હત્યા કરનાર વ્યક્તિએ ઘરમાં ઘૂસીને હત્યા કરીને ઘરને તાળું લગાવી દીધું હતું. આ હત્યા કોઈ જાણકાર વ્યક્તિએ કરી હોવાની શક્યતાના આધારે વેજલપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ સમગ્ર વિસ્તાર તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝન મહિલાની હત્યાથી ફરી સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં પોલીસે વેજલપુર ગામમાં રહેતા ભાડુઆત, પરિવાર અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરી હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પ્રયાસ હાથ ધર્યા છે.

(9:19 pm IST)