Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

શાળામાં મારામારીના કેસમાં ૭ છાત્રોનો ૨૯ વર્ષે છૂટકારો

૧૯૯૨માં છાત્રો વચ્ચે મારામારીની ઘટના : ૨૦ વર્ષથી કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો, આરોપીઓ-ઘાયલો વચ્ચે સમાધાન થઇ ગયું હતું : રાયોટિંગનો કેસ ચાલુ હતો

અમદાવાદ, તા. ૧૨ : મણિનગરમાં આવેલી પ્રગતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજથી ૨૯ વર્ષ પહેલા ધોરણ ૧૦ અને ૧૧ના સ્ટૂડન્ટ્સ વચ્ચે થયેલી મારામારી બાદ થયેલા કોર્ટ કેસમાં છેક હવે સાત લોકોનો નિર્દોષ છૂટકારો થયો છે. સ્કૂલના તત્કાલિન પ્રિન્સિપાલ રીટાબેન દેસાઈ હોસ્ટાઈલ જાહેર થયા બાદ આ કેસના સાત આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગતો એવી છે કે, ૮ ફેબ્રુઆરી ૧૯૯૨ના રોજ પ્રગતિ સ્કૂલના ધોરણ ૧૧ના છોકરાઓનો ૧૦મા ધોરણના છોકરાઓેને છોકરીની છેડતી બાબતે ઝઘડો થયો હતો. સ્કૂલમાં થયેલી બબાલ બાદ સ્કૂલ છૂટ્યા પછી તેના ગેટ પાસે જ બંને વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી એટલી ખતરનાક હતી કે ઘાયલ સ્ટૂડન્ટ્સને એલજી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ ઘટના બાદ સ્કૂલના તત્કાલિન પ્રિન્સિપાલ રીટાબેન દેસાઈએ ધોરણ ૧૧ના સાત સ્ટૂડન્ટ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમના પર માત્ર હુમલાનો જ નહીં, પરંતુ ગુનાઈત ઈરાદા અને રાયોટિંગ તેમજ ગેરકાયદે રીતે ભેગા થવાનો આરોપ પણ મૂકાયો હતો. જોકે, આ કેસ છેલ્લા ૨૦ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ હતો. આ દરમિયાન આરોપીઓ અને મારામારીમાં ઘાયલ થયેલા લોકો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

કોર્ટમાં સમાધાન અંગેનો રિપોર્ટ પણ ફાઈલ કરાયો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. જોકે, કેસ ચાલવા પર આવ્યો ત્યારે ઘાયલ થયેલા સાક્ષીઓએ પોતાને આ કેસ આગળ ચલાવવામાં રસ ના હોવાનું કહેતા કોર્ટે હુમલા તેમજ ગુનાઈત કાવતરાના આરોપ પડતા મૂક્યા હતા. જોકે, રાયોટિંગ અને ગેરકાયદે રીતે ભેગા થવાનો કેસ ચાલુ રહ્યો હતો. કેસની ટ્રાયલ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ અને પૂર્વ વિદ્યાર્થીઓ કોર્ટમાં જુબાની આપવા હાજર થયા હતા, પરંતુ તેઓ પોતાના અગાઉના નિવેદન પરથી ફરી ગયા હતા. સ્ટૂડન્ટે કોર્ટને જણાવ્યું હતું કે તે એક સામાન્ય ઝઘડો હતો. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે છોકરાઓ વચ્ચે કોઈ વાતે બબાલ થઈ હતી, ગેટ પાસે ધક્કામુક્કીમાં કેટલાક છોકરા પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, અને તે વખતે તેમણે પ્રિન્સિપાલ હોવાના નાતે પોલીસ ફરિયાદ કરાવી હતી. સાક્ષીઓ ફરી ગયા બાદ કોર્ટ સમક્ષ આરોપીઓ સામે બીજા કોઈ પુરાવા પણ ના હોવાના કારણે એ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હિતેષ તન્નાએ સાતેય આરોપીઓને છોડી મૂકવા હુકમ કર્યો હતો.

(9:15 pm IST)