Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પત્નીના ત્રાસની ૧૦ અરજી બાદ પોલીસે પતિની ફરિયાદ નોંધી

પુરૂષ પર અત્યાચારની ચોંકાવનારી ઘટના : માતા-પિતાને પુછ્યા વિના ૨૦૧૧માં લગ્ન કરનાર શખ્સને અલગ ઘર લીધું છતાં પત્ની ઝગડો કરી માર મારતી હતી

અમદાવાદ, તા. ૧૨ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહતા ૪૭ વર્ષીય પુરુષે બુધવારે પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિતનો આક્ષેપ છે કે તેની પત્ની તેને અવારનવાર માર મારે છે, અને તેની ઉંમરલાયક માતા સાથે પણ સામાન્ય બાબતોમાં ઝઘડા કરી મારામારી કરે છે. ફરિયાદી સ્વપ્નિલ દોશી નવરંગપુરાના અષ્ટકૃપા એવન્યૂમાં રહે છે.

પત્નીથી પીડિત ફરિયાદીએ આ અગાઉ પત્ની વિરુદ્ધ પોલીસમાં ૧૦ જેટલી અરજીઓ આપી હતી. જોકે, દસ અરજી બાદ આખરે બુધવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ લેવામાં આવી હતી. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેમણે ૨૦૧૧માં પોતાના મા-બાપને પૂછ્યા વિના મિનલ દોશી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. મિનલના ઝઘડાળું સ્વભાવને કારણે સ્વપ્નિલના માતાપિતાએ તેને અલગ રહેવા માટે ઘર ખીદી આપ્યું હતું, જ્યાં તેઓ પોતાની પત્ની અને આઠ વર્ષના દીકરા સાથે રહે છે. ફરિયાદીનો આક્ષેપ છે કે, અલગ થયા બાદ પણ તેમની પત્નીના સ્વભાવમાં કોઈ ફરક નહોતો પડ્યો અને તે દરેક વાતે ઝઘડા કરતી રહેતી હતી.

ઝઘડા અને મારામારી કરતી પત્નીએ પોતાને અને દીકરાને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હોવાનું પણ ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે. જેના કારણે તેમને આજુબાજુના લોકો પાસેથી કે સંબંધીઓના ઘરેથી ખાવાનું માગવું પડતું હતું. આ વાત જ્યારે ફરિયાદીના માતા-પિતાને ખબર પડી ત્યારે તેઓ પોતાના દીકરા સાથે રહેવા માટે આવી ગયા હતા.

જોકે, ૩૦ મે ૨૦૨૦ના રોજ મિનલનો પોતાના સાસુ સાથે જોરદાર ઝઘડો થયો હતો અને તેણે સાસુને માર પણ માર્યો હતો. ત્યારબાદ ઘરેથી ફોન આવતા સ્વપ્નિલ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. આખરે તેમણે અને તેમના આઠ વર્ષના દીકરાએ આજીજી કર્યા બાદ મિનલે સાસુને માર મારવાનું બંધ કર્યું હતું. ફેબ્રુઆરીમાં મિનલે પોતાના ફ્લેટની બહાર પાણીની બોટલનો છૂટો ઘા કર્યો હતો. આ અંગે સ્વપ્નિલે વાંધો ઉઠાવતા મિનલે ફરી ઝગડો કર્યો હતો અને સ્વપ્નિલને માર પણ માર્યો હતો.

(9:17 pm IST)