Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કારની ટક્કર બાદ વિદ્યાર્થી હવામાં ફંગોળાઈ ગયો હતો

ભરૂચનો અકસ્માત સીસીટીવીમાં કેદ : વિદ્યાર્થી પોતાના મિત્રને લેવા માટે જઇ રહ્યો હતો એ દરમિયાન તે એક રિક્ષાને ઓવરટેક કરવા જતાં ટકરાયો

રૂચ,તા.૧૨ : ભરૂચ શહેરમાં અકસ્માતનો એક બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. આ અકસ્માતને જોઈને એક વખત તો ખરેખર ધ્રુજી જવાય. જેમાં એક વિદ્યાર્થી કારની ટક્કર બાદ હવામાં ફંગોળાય છે અને નીચે પડે છે. ભરુચના સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યૂ પાર્ક નજીક આ અકસ્માત બન્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઈક અને ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ધો.૧૧નો વિદ્યાર્થી વેદાંત જગલાવાલા ગુરુવારના રોજ પોતાના મિત્રને લેવા માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન તે એક રિક્ષાને ઓવરટેક કરવા ગયો હતો. આ જ સમયે સામેથી એક ઇકો કાર આવી રહી હતી.

વિદ્યાર્થી આ વાતથી અજાણ હોવાથી કાર અને બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. જે બાદમાં વિદ્યાર્થી નીચે પટકાયો હતો. જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં વેદાંતને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સીસીટીવી પરથી એવું લાગી રહ્યું છે કે ઇકો કાર પોતાની સાઇડમાં જ ચાલી રહી હતી પરંતુ ઓવરટેક કરવાના ચક્કરમાં વિદ્યાર્થીની કાર સાથે ટક્કર થઈ ગઈ હતી. બનાસકાંઠામાં ડીસા થરાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે.

લાખણી પાસે હાઇવે પર અજાણ્યો બાઇક ચાલકે રાહદારી આધેડને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ટક્કર બાદ રાહદારીનું ઘટનાસ્થળે જે કરુંણ મોત નિપજયું છે. બનાવને પગલે આગથળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનું નામ બળવંતભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે.

(9:18 pm IST)