Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મતદારોને રીઝવવા કોંગ્રેસનો નવો દાવ :રામ મંદિરના નામ ઉપર વોટ માંગ્યા: ભાજપ પર આકરા પ્રહારો કર્યા

ભરતસિંહ સોલંકીએ કહ્યુ સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિરના દરવાજા ખોલવા માટેની મંજૂરી આપી હતી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. તમામ ઉમેદવારો અવનવા પેંતરા કરી મતદાતાઓને રિઝવવા માટે કામે લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રસેના પૂર્વ અધ્યક્ષ ભરત સિંહ સોંલકીએ દહેગામ ખાતે કોંગ્રેસ જનસંપર્ક કાર્યક્રમમાં રામ મંદિરના નામ ઉપર વોટ માંગ્યા હતા. તેઓએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા

દહેગામ તાલુકાના લવાડ મુકામે કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યકર્મમાં ભરતસિંહ સોંલકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રામ મંદિર પર ચર્ચા કરતા કરતા વોટ પણ માંગ્યા. આ સાથે ભાજપને આડેહાથે લીધો હતો અને જણાવ્યું હતુ કે દેશને આઝાદ કરાવવા માટે કોંગ્રેસના કાર્યકરો પણ શહીદ થયા છે અને સંઘના ઘણા એવા કાર્યકરો અંગ્રજોના બાતમીદાર બનીને ફરતા હતા

ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે “રામ મંદિરના નામે લોકોને રીઝવવા માટે ભરત સિંહ સોંલકીએ ભક્તો પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે  સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિરના દરવાજા ખોલવા માટેની મંજૂરી આપી હતી. દેશની તમામ જનતાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સ્વીકાર્યો છે. ભાજપે રામ મંદિરના નામે એક હજાર કરોડ રુપિયા ભેગા કરી લીધા છે તેનું અત્યાર સુધી કોઈ હિસાબ આપવામાં આવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદ શહેરમાં AIMIMની એન્ટ્રીને લઈ કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેવી ભીતી સેવાઈ રહી છે. તમામ મુસ્લિમ વિસ્તારોમાં AIMIM પાર્ટીને લોકો દ્વારા સારો એવો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજની વાત કરીએ તો ખાડિયા વોર્ડના બે મુ્સ્લિમ કોંગી નેતાઓએ ખાડિયાના મતદારોને રિઝવવા માટે મંદિરમાં માથુ ઝુકાવ્યું હતું, જેના કારણે મુસ્લિમ વિસ્તારોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે

ભારતીય જનતા પાર્ટી (BJP)ને પણ ઓવૈસીની AIMIMનો ડર લાગ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં આવતા મુસ્લિમ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ના આપનારી ભાજપે ભરૂચમાં 31 લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે

ભરૂચ જિલ્લા ભાજપે જે યાદી જાહેર કરી છે જેમાં લઘુમતી સમાજના 31 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં ટિકિટ આપવા પાછળનું કારણ BTP-AIMIMનું ગઠબંધન હોઇ શકે છે. બીજી તરફ ભાજપે દાવો કર્યો છે કે ઓવૈસી અને છોટુ વસાવાના ગઠબંધનની ભાજપ પર કોઇ અસર નહી પડે. ભાજપે જણાવ્યુ કે, બીટીપીના આગેવાન સંદીપ વસાવાએ 300 કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તે અગાઉ પણ બીટીપીના કાર્યકરો ભાજપમાં વિશ્વાસ રાખીને પાર્ટીમાં જોડાયા છે. ભરૂચમાં આ ગઠબંધનની સહેજ પણ, કોઇ પણ પ્રકારની અસર થવાની નથી. ભારતીય જનતા પાર્ટી સામે જેટલી પણ પાર્ટીઓ આવે તેની સામે એકલા હાથે લડવા સક્ષમ છે.

(12:37 am IST)