Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજ્યની શાળાઓમાં ૧૮મી ફેબ્રુઆરીથી ૬ થી ૮ ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાશે

કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ રાજ્યના શિક્ષણ વિભાગના ૮ જાન્યુઆરી ૨૦૨૧ની માર્ગદર્શિકા બેય નું ચુસ્ત પાલન શાળાઓએ કરવાનું રહેશે

અમદાવાદ :રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ ૧૮મી ફેબ્રુઆરી ૨૦૨૧થી ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે
શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ ૬ થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ ૮મી જાન્યુઆરી-૨૦૨૧ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે
આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવએ જણાવ્યું હતું.
રાજ્ય ના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં  ધોરણ ૬ થી ૮ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
શિક્ષણ સચિવએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે
જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ વિનોદ રાવે ઉમેર્યું હતું
  કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે તેમ શિક્ષણ સચિવએ જણાવ્યું હતું.
ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી.
કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદઅનુસાર ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગખંડો તારીખ ૧લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે તેમજ તારીખ ૮મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
ધોરણ ૯ થી ૧૨ના વર્ગોમાં શરૂઆતના તબક્કે ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા તે સંખ્યા હવે વધીને ૭૦ થી ૭૨ ટકા જેટલી થઈ ગઈ છે.
રાજ્ય સરકારના પરિણામકારી આ પ્રયાસોમાં વાલીઓ પણ પોતાના બાળકોના શિક્ષણ હિતમાં ઉત્સાહથી સહયોગ આપી રહ્યા છે અને વર્ગખંડ શિક્ષણ માટે પોતાના બાળકોને વધુને વધુ પ્રેરિત કરે છે.

(7:50 pm IST)